સદ્ભાવના મિશન રાજકીય આંદોલન નહીં સામાજિક અભિયાન છે : મોદી

15 November, 2011 07:59 AM IST  | 

સદ્ભાવના મિશન રાજકીય આંદોલન નહીં સામાજિક અભિયાન છે : મોદી


 

નરેન્દ્ર મોદીએ ૧૭ સપ્ટેમ્બરે અમદાવાદથી શરૂ કરેલા સદ્ભાવના મિશન અનશન અભિયાનના ચોથા પડાવમાં અમદાવાદ, દ્વારકા, નવસારી પછી ગઈ કાલે પાટણમાં અનશન અભિયાન સંપન્ન કર્યું હતું. પાટણ જિલ્લાના સાત તાલુકાઓનાં ૫૨૧ ગામોના વિવિધ સમાજના નાગરિકો અને બીજેપીના કાર્યકરો પણ નરેન્દ્ર મોદી સાથે અનશનમાં જોડાયા હતા. અનશનમાં બાલિસણા ગામના લોકોએ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનું ૬૫૦ ફૂટની ધજાથી સ્વાગત કર્યું ત્યારે અનશનમાં ઉપસ્થિત સૌકોઈ અચરજ પામી ગયા હતા. નરેન્દ્ર મોદીએ અનશન અભિયાનનું સમાપન કરતાં નિર્ધાર વ્યક્ત કર્યો હતો કે ‘કોઈ પણ નકારાત્મકતા ધ્યાનમાં લીધા વગર સદ્ભાવનાની શક્તિ માટેનું મારું આ સામાજિક અભિયાન અવિરત ચાલુ રહેશે. દુનિયાને મારે ડંકાની ચોટ ઉપર બતાવવું છે કે ગુજરાતીઓની રગેરગમાં જ સદ્ભાવના પડેલી છે. આ શક્તિનું સમાજવ્યવસ્થામાં પરિવર્તન કરવા માટેનું દર્પણ આ સદ્ભાવના મિશનથી દુનિયા સમક્ષ પ્રેર્યું છે. સદ્ભાવના એ વિકાસની પહેલી આવશ્યકતા છે અને સરકારનો પહેલો મંત્ર છે સૌનો સાથ. સૌનો વિકાસ કરવો હોય તો સૌનો સાથ આવશ્યક છે. સદ્ભાવના મિશનનો આ જ ઉદ્દેશ છે.’

મોદીની સામે સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયાના સમાંતર ઉપવાસ

ગઈ કાલે પાટણમાં સદ્ભાવના ઉપવાસ કરનારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે પોરબંદરની ચોપાટી પાસે આવેલા નગરપાલિકાના મેદાનમાં સદ્ભાવના ઉપવાસ કરશે તો તેમની સામે પોરબંદરના સંસદસભ્ય વિઠ્ઠલ રાદડિયા સુદામા ચોકમાં ઉપવાસ કરશે. વિઠ્ઠલ રાદડિયા આ વિસ્તારમાં ભારોભાર લોકપ્રિય છે અને જનમેદની એકઠી કરવામાં એક્કા છે. આ જ કારણે અત્યારે બધાની નજર પોરબંદરના આ ઉપવાસ પર મંડાઈ છે. ગયા વષ્ોર્ વિઠ્ઠલ રાદડિયાએ ગુજરાત સરકાર સામે કરવામાં આવેલા ખેડૂત-સંમેલનમાં સૌરાષ્ટ્રના દોઢ લાખથી વધુ ખેડૂતોને એકઠા કર્યા હતા.

રવિવારે પોરબંદરમાં થનારા સદ્ભાવના ઉપવાસમાં ગુજરાત બીજેપીએ ૧૦,૦૦૦ લોકો એકઠા થવાની ધારણા માંડી છે, જ્યારે ગુજરાત કૉન્ગ્રેસે વિઠ્ઠલ રાદડિયાના ઉપવાસ માટે પ૦,૦૦૦ લોકો એકઠા થશે એવી ધારણા મૂકી છે.