ગુજરાતમાં મોદીની દસમી ડિસેમ્બર સુધીમા ૬૦ થ્રી-ડી સભા

26 November, 2012 03:12 AM IST  | 

ગુજરાતમાં મોદીની દસમી ડિસેમ્બર સુધીમા ૬૦ થ્રી-ડી સભા



ગયા રવિવારે દેશમાં પહેલી વાર થ્રી-ડી ટેક્નૉલૉજીથી ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત એમ ચાર શહેરોમાં જાહેર સભા સંબોધ્યા પછી હવે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દસમી ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં બીજી ૬૦ થ્રી-ડી જાહેર સભા સંબોધવાના છે. આ સાંઠમાંથી પહેલી ૨૬ જાહેર સભા ગુજરાતનાં ૨૬ જિલ્લા-મથક પર થશે, જ્યારે બાકીની ૩૪ જાહેર સભા પ્રથમ તબક્કાની એવી બેઠકો પર કરવામાં આવશે, જ્યાં મોદી પહોંચી નહીં શક્યા હોય અને નરેન્દ્રભાઈ પહોંચી શકે એવી શક્યતા ન હોય. બીજેપીના કેન્દ્રીય મહામંત્રી પરસોતમ રૂપાલાએ કહ્યું હતું કે ‘થ્રી-ડી જાહેર સભાનો અમને લાભ થયો છે. અગાઉ કરેલી થ્રી-ડી સભામાં યુવાનોની મોટી સંખ્યા આવી હતી અને ટેક્નૉલૉજી જોવા આવેલા આ યુવાનો નરેન્દ્ર મોદીના વિચારોથી જબરદસ્ત પ્રભાવિત થયા હતા. આ જ કારણે હવે નક્કી કરવામાં આવ્યું છે કે નવી ૬૦ થ્રી-ડી સભા કરવી અને યુવાનોને વધુ ને વધુ પાર્ટી તરફ આકર્ષિત કરવા.’

ગુજરાતમાં અગાઉ થયેલી ચાર થ્રી-ડી જાહેર સભા માટે પાર્ટીએ ૧૦૪ કરોડનો ખર્ચ કર્યો હતો. આ વખતે સાંઠ સભા માટે કેટલો ખર્ચ થશે એ વિશે કોઈ કશું કહેવા તૈયાર નથી પણ ધારણા મૂકવામાં આવે છે કે આ સભાઓ માટે અંદાજે એક હજાર કરોડ ખર્ચવામાં આવશે. આ આંકડો દેખાવે મોટો લાગે એ સ્વભાવિક છે પણ સમયની મારામારી વચ્ચે મોદીને તો આ આંકડો નાનો લાગતો હોય એવું બની શકે છે.