મોદીએ ૧૩ દિવસમાં ૫૦ સભા સંબોધી

25 September, 2012 03:12 AM IST  | 

મોદીએ ૧૩ દિવસમાં ૫૦ સભા સંબોધી



અમદાવાદ : છેલ્લા ૧૩ દિવસમાં ઉપરાઉપરી ઓછામાં ઓછી ૫૦ જેટલી નાની-મોટી જાહેર સભાઓ સંબોધતા આવેલા બીજેપીના વન મૅન આર્મી એવા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને છેલ્લા બે દિવસથી તેમનું ગળું સાથ આપી રહ્યું નથી. તેમનો અવાજ બેસી ગયો છે, તરડાઈ ગયો છે; પરંતુ ગઈ કાલે સાંજે સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદને સંબોધી રહેલા નરેન્દ્ર મોદીનો હોંસલો અને જુસ્સો એવો જ છલકાઈ રહ્યો હતો. ગઈ કાલે ગુજરાતનાં ગોંડલ, ધોરાજી અને જેતપુરમાં જાહેર સભાઓ કરીને સાંજે તેઓ સુરત પહોંચ્યા હતા છતાં પણ જરાય વિચલિત થયા વગર દસ-પંદર મિનિટ સુધી યુવાનોને સંબોધ્યા હતા. ઉપરાઉપરી જાહેર સભાઓ સંબોધતાં આવેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીની અવાજને કારણે તબિયત અસ્વસ્થ બની છે.

૧૧ સપ્ટેમ્બરે બહુચરાજીથી ચૂંટણીપ્રચારની વિવેકાનંદ યુવા વિકાસયાત્રા શરૂ કરીને અત્યાર સુધીમાં નરેન્દ્ર મોદીએ અંદાજે ૫૦ જેટલી નાની-મોટી જાહેર સભાઓ સંબોધી છે. જાહેર સભાઓમાં બોલવાને કારણે તેમના ગળાને અસર થઈ છે અને એ વાતનો જાહેરમાં સ્વીકાર કરતાં ગઈ કાલે તેમણે સુરતમાં વિવેકાનંદ યુવા પરિષદને સંબોધતાં કહ્યું હતું કે મારું ગળું જે રીતે સાથ આપવું જોઈએ એ રીતે નથી આપતું તેથી મારા બોલવામાં ક્ષતિ થાય તો મિત્રો દરગુજર કરશો. આમ કહીને તેમણે દસ-પંદર મિનિટ સુધી સંબોધન કર્યા પછી કહ્યું કે ‘મારો અવાજ કામ નહોતો કામ કરતો, પણ તમારા ઉત્સાહને કારણે કામ કરતો થઈ ગયો. ગોંડલ, ધોરાજી, જેતપુરના કાર્યક્રમમાં માંડ પાંચ મિનિટ બોલી શક્યો, પણ સુરતનો પ્રેમ કંઈક જુદો છે. મારા સમયની પ્રત્યેક ક્ષણ, મારા શરીરનો પ્રત્યેક કણ આપનાં ચરણોમાં છે, આપના માટે છે.’