૧૫ દિવસમાં મોદીની ૧૦૪ જાહેર સભા

17 December, 2012 02:54 AM IST  | 

૧૫ દિવસમાં મોદીની ૧૦૪ જાહેર સભા



રશ્મિન શાહ


રાજકોટ, તા. ૧૭

ગુજરાત વિધાનસભાના ઇલેક્શન-કૅમ્પેનમાં બીજેપી અને કૉન્ગ્રેસના સ્ટાર-પ્રચારકોમાં સૌથી વધુ જાહેર સભાઓને સંબોધવાનો જશ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના ફાળે જાય છે. નરેન્દ્ર મોદીએ પોતાની જાહેર સભાની શરૂઆત પહેલી ડિસેમ્બરે સોમનાથથી કરી હતી અને એ શનિવારે બપોરે કૅમ્પેન પૂરું થયું ત્યાં સુધી ચાલી હતી. આ ૧૫ દિવસમાં નરેન્દ્ર મોદીએ કુલ ૧૦૪ સભાઓને સંબોધી હતી. ગુજરાત વિધાનસભાનું કૅમ્પેન કરતા બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીના એક પણ નેતાએ આટલી જાહેર સભાઓ નથી સંબોધી. એક દિવસમાં સૌથી વધુ સભા સંબોધવાની બાબતમાં પણ મોદી સૌથી આગળ રહ્યા છે. શુક્રવારે નરેન્દ્ર મોદીએ ૯ જાહેર સભાઓને સંબોધી હતી.

નરેન્દ્ર મોદીએ આ વર્ષે થ્રી-ડી ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને પણ જાહેર સભા સંબોધી હતી. ૧૫ દિવસમાં ૧૦૪ જાહેર સભાઓ સંબોધનારા નરેન્દ્ર મોદીએ આટલા દિવસોમાં કુલ ૧૫૩ થ્રી-ડી જાહેર સભાઓ સંબોધી હતી. ઍક્ચ્યુઅલ જાહેર સભા અને થ્રી-ડી જાહેર સભાનો સરવાળો કરીને કહેવાનું હોય તો કહી શકાય કે મોદીએ ૧૫ દિવસમાં કુલ ૨૫૭ જાહેર સભાઓને સંબોધી હતી. ક્રિકેટની ગેમમાં જેમ ઍવરેજ કાઢવામાં આવે છે એમ જો અહીં પણ ઍવરેજ કાઢવામાં આવે તો મોદીની પ્રતિદિન જાહેર સભાની ઍવરેજ ૧૭.૧૩ની આવે છે જે ભારતીય રાજકારણના ઇતિહાસની કદાચ સૌથી હાઇએસ્ટ ઍવરેજ છે.

બીજા નંબરે અજુર્ન મોઢવાડિયા અને સ્મૃતિ ઈરાની

જાહેર સભાના સંબોધનમાં બીજા નંબરે હાઇએસ્ટ જાહેર સભા સંબોધવામાં અજુર્ન મોઢવાડિયા અને સ્મૃતિ ઈરાનીનાં નામ આવે છે. કૉન્ગ્રેસ અને બીજેપીના આ નેતાઓએ ૧૫ દિવસમાં કુલ ૬૬ જાહેર સભા સંબોધી હતી તો શંકરસિંહ વાઘેલાએ ૬૫, શક્તિસિંહ ગોહિલે ૫૭, ઍક્ટર પરેશ રાવલે ૪૫, રાજ બબ્બરે ૩૪, અહમદ પટેલે ૩૦, નવજોત સિધુએ ૧૬ અને સોનિયા ગાંધીએ તથા રાહુલ ગાંધીએ ચાર-ચાર જાહેર સભા સંબોધી હતી. માયાવતીએ ત્રણ, શરદ પવારે ત્રણ, રામ વિલાસ પાસવાને બે તો વડા પ્રધાન મનમોહન સિંહે માત્ર એક જ જાહેર સભા સંબોધી હતી. જો ઍવરેજની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં જાહેર સભા સંબોધવાની ઍવરેજમાં સૌથી ઓછી વડા પ્રધાનની ૦.૦૬૬ ટકા ઍવરેજ આવી છે.