સાલ મુબારક માટે આવનારને પહેલાં પાણી નહીં, સૅનિટાઇઝર આપો

12 November, 2020 07:33 AM IST  |  Rajkot | Rashmin Shah

સાલ મુબારક માટે આવનારને પહેલાં પાણી નહીં, સૅનિટાઇઝર આપો

પ્રતીકાત્મક તસવીર

આજથી શરૂ થતા દિવાળીના તહેવારોને લીધે દેશભરમાં કોવિડની મહામારી ભુલાઈ ગઈ છે અને માર્કેટ ઊભરાવા માંડ્યું છે, પણ આવું કન્ટિન્યુ ન થાય અને દિવાળી પછી મહામારી વધારે ન ફેલાય એ માટે રાજકોટ મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર ઉદિત અગ્રવાલે ગઈ કાલે એક ગાઇડલાઇન જાહેર કરી, જે ગાઇડલાઇનનું પાલન કરવા માટે તેમણે શહેરીજનોને નિવેદન કર્યું છે. આ ગાઇડલાઇન ભલે રાજકોટમાં જાહેર થઈ, પણ હકીકતમાં એ ગાઇડલાઇન દેશભરના લોકોએ પાળવા જેવી અને એ મુજબ વર્તવા જેવું છે. ગાઇડલાઇનમાં ક્યાંય એવું નથી કહેવાયું કે આ દિવાળી ઊજવવાની નથી, પણ એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે આ દિવાળી એવી રીતે જવવાની છે જેમાં કોવિડ ફેલાય નહીં કે પછી નવી બીમારી આવે નહીં. નવા વર્ષે કોઈના ઘરે જઈને શું ધ્યાન રાખવું જેવી વાતથી માંડીને ઘરે સાલ મુબારક કરવા કોઈ આવે ત્યારે તેમને કેવા મુખવાસ અને નાસ્તા ધરવા જોઈએ એ પણ ગાઇડલાઇનમાં દર્શાવવામાં આવ્યું છે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે બીમાર હોય કે નાનાં બાળકો કે વડીલો હોય એવા ઘરે જઈને તેમને મળવું નહીં અને જાત પર કે પછી તેમના પર જોખમ ઊભું કરવું નહીં. સાથોસાથ એ પણ કહેવાયું છે કે ઘરે આવનારાને સૌથી પહેલાં પાણી નહીં, સૅનિટાઇઝર આપવું. મુખવાસની બાબતમાં બહુ સરસ સ્પષ્ટતા સાથે કહેવાયું છે કે આ વર્ષે મુખવાસમાં સિન્થેટિક, કલરવાળો, આર્ટિફિશ્યલ સ્વીટનેસવાળો કે ફૅન્સી મુખવાસ રાખવાને બદલે તજ, લવિંગ, એલચી, ડ્રાયફ્રૂટ્સ કે ખજૂર, ખારેક, ઘરમાં બનાવેલાં આમળાં કે આદું, સાદી વરિયાળી, તલ, ધાણાદાળ, અળસી રાખવાં. આ મુખવાસ ઇમ્યુનિટી વધારવાનું કામ પણ કરશે અને આવનારા મહેમાનનું સ્વાગત પણ પરંપરાગત રીતે થશે.

મહેમાનોને દૂધ કોલ્ડ ડ્રિન્ક્સ, આઇસક્રીમ, શરબત કે કોલ્ડ ડ્રિન્ક્સ આપવાને બદલે તેમને ઉકાળો, હળદરવાળું ગરમ દૂધ, ગ્રીન ટી, લીંબુ-મધનું ગરમ પાણી અથવા તાજો જૂસ આપવો જે કોવિડ અને અન્ય સીઝનલ બીમારીને ફેલાવતાં પણ રોકે. આ ઉપરાંત તૈયાર નાસ્તા કે પછી ઘરમાં જ બનાવેલા નાસ્તા પીરસવાને બદલે જો શક્ય હોય તો ફણગાવેલાં કઠોળ, ગોળની ચીકી, ફ્રૂટ ડિશ જેવી વરાઇટી આપવી. આ વરાઇટીઓ પણ ઇમ્યુનિટી વધારવામાં લાભદાયી છે.

ગાઇડલાઇનમાં અન્ય રાબેતા મુજબનાં સૂચન તો કરવામાં આવ્યાં જ છે, પણ એ સિવાયનાં યુનિક કહેવાય અને સૌકોઈએ પાળવાં જોઈએ એવાં સૂચનો અહીં દર્શાવ્યાં છે. કહેવાનો ભાવાર્થ એ જ કે આ દિવાળીએ રાજકોટના રસ્તે ચાલવામાં સાર છે.

Rashmin Shah gujarat rajkot diwali coronavirus