આ ગુજરાતીએ ગૅસની ગૂંગળામણથી ૫૫૦ વિદ્યાર્થીઓને બચાવ્યા

21 February, 2019 09:43 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

આ ગુજરાતીએ ગૅસની ગૂંગળામણથી ૫૫૦ વિદ્યાર્થીઓને બચાવ્યા

550 વિદ્યાર્થીઓને બચાવનાર હિમાંશુ વર્માનું સન્માન કરતા પોલીસ અધિકારી

ભાઈંદર (વેસ્ટ)માં સિક્સ્ટી ફીટ રોડ પર આવેલી ડૉન બૉસ્કો હાઈ સ્કૂલની એકદમ આગળના રસ્તા પર મીરા-ભાઈંદર મહાનગરપાલિકાએ નીમેલા કૉન્ટ્રૅક્ટર દ્વારા કૉન્ક્રીટનો રસ્તો બનાવવા ખોદકામ ચાલુ હતું ત્યારે સ્કૂલની આગળના રસ્તાનું ખોદકામ કરતી વખતે નીચે રહેલી ગૅસની પાઇપલાઇન ભૂલમાં ફૂટી ગઈ હતી. આ પાઇપલાઇન ફૂટતાં કુકિંગ ગૅસ બહાર આવવા લાગ્યો હતો. આ બાબત પર ધ્યાન જતાં સમયસૂચકતા વાપરીને ભાઈંદરના રહેવાસી હિમાંશુ શાહે પહેલાં સ્કૂલને જાણ કરી હતી અને ત્યાર બાદ પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરી હતી. સમયસર પોલીસ અને ફાયર-બ્રિગેડની મદદથી એ વખતે સ્કૂલમાં રહેલા લગભગ સાડાપાંચસો વિદ્યાર્થીઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા.

આ વિદ્યાર્થીની તબિયત લથડી હતી

એમાંથી એક વિદ્યાર્થીના ફેફસાંમાં ગૅસ જતો રહ્યો હોવાથી તે જમીન પર પડી ગયો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. એ જોઈને હિમાંશુ શાહ તેને ખભા પર ઊંચકીને દોડ્યા હતા અને નજીકની હૉસ્પિટલમાં ઍડ્મિટ કર્યો હતો. તેમની સાવધાનીને કારણે મોટી હોનારત ટળી હોવાથી ભાઈંદર પોલીસે તેમને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

આ બનાવ વિશે માહિતી આપતાં ભાઈંદરના રહેવાસી હિમાંશુ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સ્કૂલની આગળ રસ્તા પર કામ ચાલુ થવાનું હતું એ પહેલાં જ હું ત્યાંથી પસાર થતો હતો. ત્યારે ત્યાં કામ કરતા લોકોને કહ્યું હતું કે ‘સાડાપાંચ વાગ્યા પછી તમારું કામ કરો અને આ વિશે પોલીસને પણ ફોન કરીને કહ્યું હતું, પરંતુ આ લોકોએ હજારો બહાનાં આપીને બપોરે ફરી કામ શરૂ કરી દીધું હતું. મને કોઈએ કામ ફરી શરૂ થયું છે એમ જણાવતાં હું તાત્કાલિક ત્યાં પહોંચ્યો હતો અને વાત કરતો હતો એટલામાં જમીનમાં રહેલી ગૅસની પાઇપલાઇન ફાટી હતી અને ગૅસ ફેલાવા લાગ્યો હતો. એથી મેં સ્કૂલમાં ફોન કરીને તાત્કાલિક વિન્ડો બંધ કરવા જણાવ્યું હતું. પોલીસ અને ફાયર-બ્રિગેડને જાણ કરતાં તેઓ પણ તરત જ ત્યાં આવી ગયાં હતાં. અમે બધા ભેગા થઈને વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર લાવવા લાગ્યા હતા અને બાળકોને નાકે રૂમાલ રાખીને નીકળવા જણાવ્યું હતું.’

આ પણ વાંચોઃ પ્રેમી પંખીડાંઓ માટે મુંબઈની હોટેલોના દરવાજા બંધ

પોલીસે પણ ખાસ ધ્યાન આપ્યું હતું એમ જણાવીને હિમાંશુએ કહ્યું હતું કે ‘વિદ્યાર્થીઓને બહાર કાઢતા હતા ત્યારે એક વિદ્યાર્થી પડી ગયો અને તેની તબિયત ખરાબ થતાં તેને ખભા પર ઉપાડીને ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટની હૉસ્પિટલમાં લઈ ગયો હતો. ત્યાં તેને ઍડ્મિટ કરીને સારવાર અપાઈ હતી. સ્કૂલની નીચે બે મોટી બૅન્ક પણ આવેલી છે. જો ધ્યાન ન અપાયું હોત તો બૅન્કમાં આવતા લોકો, એમાં રહેલા પેૈસા, બાળકો, આસપાસની દુકાનો બધાને ભારે નુકસાન થયું હોત. જે બાળકને ઍડ્મિટ કર્યો તેના પેરન્ટ્સે પોલીસ-સ્ટેશનમાં કૉન્ટ્રૅક્ટર સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતા જોઈને ભાઈંદર પોલીસે મને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યો હતો.’ 

mumbai mumbai news bhayander