ચોરવાડમાં મુકેશ-અનિલના પરિવાર સાથે મળીને ગરબે રમ્યા

28 December, 2011 03:26 AM IST  | 

ચોરવાડમાં મુકેશ-અનિલના પરિવાર સાથે મળીને ગરબે રમ્યા



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૮


રિલાયન્સના પ્રણેતા ધીરુભાઈ અંબાણીના આજના ૮૦મા જન્મદિવસે ચોરવાડના તેમના ઘર ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવનને ખુલ્લું મૂકવા આવેલા અંબાણીપરિવારે ચોરવાડમાં બધાને દેખાડી દીધું છે કે પરિવારના આંતરિક સંબંધોમાં સહેજ પણ મતભેદ નથી.

બન્ને ભાઈઓ સવારે પોતપોતાની રીતે અલગ-અલગ હેલિકૉપ્ટરમાં આવ્યા હતા, પણ સાંજે ચોરવાડથી અઢી કિલોમીટર દૂર આવેલા તેમનાં કુળદેવી ભવાનીમાતાના મંદિરે દર્શન માટે બધા સાથે ગયા હતા. પૂજા-અર્ચના કર્યા પછી મંદિરના ચોગાનમાં બધા સાથે દાંડિયા અને ગરબારાસ રમ્યા હતા. ગરબા વખતે દક્ષિણ ગુજરાતનું હૉટ-ફેવરિટ દેશી ગીત ‘સનેડો’ શરૂ થયો ત્યારે અનિલ અંબાણીએ સનેડો લેવાનું શરૂ કર્યું હતું. ભાભી નીતા અંબાણી દિયર અનિલ પાસે સનેડો શીખવા ગયાં હતાં તથા અનિલે તેમને સનેડો શીખવ્યો અને બન્નેએ સનેડો પર સાથે ગરબા પણ લીધા હતા. થોડી મિનિટ પછી તેમની સાથે ટીના પણ જોડાયાં હતાં. આ આખો માહોલ જોઈને કહી ન શકાય કે અંબાણીપરિવાર વચ્ચે મતભેદ છે.

આજે સવારે ધીરુભાઈ અંબાણીના ઘરને ‘ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવન’ તરીકે શાસ્ત્રોક્ત વિધિથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. આ ઘર ઈ.સ. ૨૦૦૨માં ખરીદવામાં આવ્યું હતું પછી કોકિલાબહેને અહીં ધીરુભાઈ અંબાણીનું સ્મૃતિ ભવન બનાવવાનું નક્કી કર્યું હતું. બે વર્ષની મહેનત અને ૭ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સ્મૃતિ ભવન એક એકરમાં પથરાયેલું છે. મૂળ ઘર આટલી મોટી વિશાળ જગ્યામાં પથરાયેલું નહોતું, પણ સ્મૃતિ ભવન બનાવવાનું નક્કી કર્યા પછી આ ઘરની આજુબાજુમાં આવેલી જમીન ખરીદી લેવામાં આવી હતી. ધીરુભાઈ અંબાણી સ્મૃતિ ભવનમાં મૂળ મકાનના સ્થાપત્યમાં ફેરફાર નથી કરાયો.

ઈસવીસન ૨૦૦૨થી ગામવાસીઓ આ ઘરને ‘ધીરુભાઈનો ડેલો’ તરીકે ઓળખતા હોવાથી સ્મૃતિ ભવન બનાવ્યા પછી પણ અહીં ‘ધીરુભાઈનો ડેલો’ની તક્તી રાખવામાં આવી છે.

આજે મિડિયા સાથે વાતચીત?

ધીરુભાઈ અંબાણીના ૮૦મા જન્મદિવસે ચોરવાડમાં મળેલા અંબાણીભાઈઓ આજે મિડિયા સાથે વાર્તાલાપ કરે એવી શક્યતા છે. પહેલાં ગઈ કાલે સાંજે સાડાપાંચ વાગ્યે મિડિયા સાથે વાત કરશે એવા પ્રકારનો સંદેશો આપવામાં આવ્યો હતો, પણ પછી એ વાર્તાલાપ રદ કરીને આજ માટે કહેવામાં આવ્યું છે. એવું ધારવામાં આવે છે કે જો બન્ને ભાઈઓ મિડિયા સાથે વાર્તાલાપ કરશે તો બન્ને પોતપોતાની કંપની અને કંપનીના શૅરહોલ્ડરો વિશે કોઈક ઇમ્ર્પોટન્ટ જાહેરાત કરશે.