કચ્છ રણ ઉત્સવમાં પ્રથમ ત્રણ દિવસનું બુકિંગ ફુલ

01 December, 2011 05:43 AM IST  | 

કચ્છ રણ ઉત્સવમાં પ્રથમ ત્રણ દિવસનું બુકિંગ ફુલ



અમદાવાદ: ગુજરાતના કચ્છના રેગિસ્તાનમાં સફેદ રણની ચાંદનીરાતનું સૌંદર્ય માણવા સહેલાણીઓનો ધસારો થવા માંડતાં ૯ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા રણ ઉત્સવના પ્રથમ ત્રણ દિવસ સફેદ રણમાં રહેવા માટે ૪૪૦થી વધુ એસી અને નૉન-એસી ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે. મૅગા સ્ટાર અમિતાભ બચ્ચનની પ્રવાસનની જાહેરાતનો જાદુ છવાઈ જતાં પ્રથમ ત્રણ દિવસોનું ૧૦૦ ટકા બુકિંગ થઈ ગયું છે.

ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘કચ્છમાં ૯ ડિસેમ્બર ૨૦૧૧થી ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ સુધી સળંગ ૩૮ દિવસ સુધી કચ્છ રણોત્સવ યોજવામાં આવશે. પ્રવાસન વિકાસ માટે ગુજરાતના બ્રૅન્ડ-ઍમ્બેસેડર બનેલા અમિતાભ બચ્ચને કચ્છ સહિત ગુજરાતના પ્રવાસન માટે જે અભિયાન હાથ ધર્યું એને પરિણામે કચ્છના પ્રવાસન તરફ પર્યટકોનું આકર્ષણ અનેકગણું વધ્યું છે. બે વર્ષ પહેલાં ૮૦૦ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે ૩૨,૦૦૦ પ્રવાસીઓ રણોત્સવનો લ્હાવો માણી ચૂક્યા હતા, જ્યારે આ વર્ષે ૫૦,૦૦૦ સહેલાણીઓ રણ ઉત્સવમાં આવશે એવી શક્યતા છે.’

રણોત્સવના પ્રથમ પૅકેજમાં પહેલા ત્રણ દિવસ માટે ટેન્ટસિટીનું સંપૂર્ણ બુકિંગ થઈ ગયું છે અને બાકીના દિવસોનું ૭૦ ટકાથી વધુ બુકિંગ થયું છે. અગાઉ રણ ઉત્સવ ત્રણ દિવસ માટે યોજવામાં આવ્યો હતો, જે ગયા વર્ષે ૩૦ દિવસ યોજવામાં આવ્યો હતો અને એની સફળતાથી પ્રેરાઈને આ વર્ષે કચ્છ રણ ઉત્સવ ૩૮ દિવસનો ઊજવવામાં આવશે.

જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘૯ ડિસેમ્બરે ભુજના ઐતિહાસિક હમીરસર તળાવને કાંઠે રંગારંગ કાર્યક્રમ દ્વારા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ રણોત્સવને ખુલ્લો મૂકશે.