મોરબી દુર્ઘટના:SIT દ્વારા જપ્ત દસ્તાવેજોને નગરપાલિકાએ માંગ્યા પરત,સરકારને કરી અપીલ

24 January, 2023 03:18 PM IST  |  Morbi | Gujarati Mid-day Online Correspondent

SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા મોરબી નગરપાલિકા (Morbi Municipality)એ સરકારને અપીલ કરી છે. નગરપાલિકાએ કહ્યું છે કે તેમને સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની જરૂર છે

SIT દ્વારા જપ્ત દસ્તાવેજોને નગરપાલિકાએ માંગ્યા પરત

SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા મોરબી નગરપાલિકા (Morbi Nagarpalika)એ સરકારને અપીલ કરી છે. નગરપાલિકાએ કહ્યું છે કે તેમને સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપવા માટે SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજોની જરૂર છે. મોરબી નગરપાલિકાને કારણ બતાવો નોટિસ જારી કરતી વખતે ગુજરાત સરકારે પૂછ્યું છે કે દુર્ઘટનાને કારણે તેની ફરજ પૂરી ન કરવા બદલ મોરબી નગરપાલિકાનું વિસર્જન કેમ ન કરવું જોઈએ? પાલિકાના અધિકારીએ જણાવ્યું હતું કે, તમામ દસ્તાવેજો સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા એસઆઈ પાસે છે અને મોરબી પાલિકા પાસે એક પણ દસ્તાવેજ નથી.

ગુજરાત સરકારે ગત અઠવાડિયે મોરબી નગરપાલિકાને કારણદર્શક નોટિસ પાઠવી છે અને 25 જાન્યુઆરી સુધીમાં લેખિત જવાબ માંગ્યો છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં મચ્છુ નદી પર બનેલો ઝૂલતો પુલ ધરાશાયી થયો હતો, જેમાં 135 લોકોના મોત થયા હતા. આ બ્રિજ બ્રિટિશ કાળ દરમિયાન બનાવવામાં આવ્યો હતો અને પાલિકા સાથેના કરાર હેઠળ ઓરેવા ગ્રુપ તેની જાળવણી અને સંચાલન કરી રહ્યું હતું. મોરબી નગરપાલિકાના 52 સભ્યોએ સોમવારે એક બેઠક યોજી હતી અને સરકારને SIT દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજો તેમને પરત કરવા માંગણી કરતો ઠરાવ પસાર કર્યો હતો જેથી તેઓ સરકારની કારણદર્શક નોટિસનો જવાબ આપી શકે.

આ પણ વાંચો: સુરત પોલીસ લોન અપાવવામાં કરશે મદદ

સરકાર દ્વારા મોકલવામાં આવેલી કારણ બતાવો નોટિસમાં શહેરી વિકાસ વિભાગે કહ્યું છે કે બ્રિજની કામગીરી માટેનો સંપર્ક 2017માં જ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી 2018-2020 વચ્ચે ઓરેવા ગ્રુપ દ્વારા બ્રિજની ખરાબ હાલત અંગે મોરબી નગરપાલિકાને અનેક પત્રો લખ્યા હતા અને પુલ પર કોઈ મોટી દુર્ઘટના થઈ શકે તેવી આશંકા પણ વ્યક્ત કરી હતી. તેમ છતાં પાલિકાએ કોઈ પગલું ભર્યું ન હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારે મોરબી બ્રિજ અકસ્માત કેસમાં ગુજરાત હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરી છે. પીઆઈએલમાં સરકારે મોરબી નગરપાલિકાને વિખેરી નાખવાની વાત કરી છે. આ કેસમાં પોલીસે ઓરેવા ગ્રુપના 4 કર્મચારીઓની ધરપકડ કરી છે. તેમાંથી બે કંપની મેનેજર છે અને બે ટિકિટ ક્લાર્ક છે. ગુજરાત કોર્ટે ગયા અઠવાડિયે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ સામે વોરંટ પણ જારી કર્યું છે. FIRમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ પણ નોંધાયેલું છે. જયસુખ પટેલે મોરબીની સેશન્સ કોર્ટમાં 20 જાન્યુઆરીએ આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને ફગાવી દીધી હતી.

gujarat news morbi gujarat