સ્વચ્છતાના નામે ફોટો પડાવતા દંભી નેતાઓ પર મોરારીબાપુ ગરજ્યા

16 December, 2015 03:38 AM IST  | 

સ્વચ્છતાના નામે ફોટો પડાવતા દંભી નેતાઓ પર મોરારીબાપુ ગરજ્યા




શૈલેષ નાયક


અમદાવાદમાં ચાલી રહેલી માનસ સ્વચ્છતા રામકથામાં ગઈ કાલે સ્વચ્છતા મિશનના સંદર્ભમાં પૂજ્ય મોરારીબાપુ દંભી નેતાઓ પર ગરજ્યા હતા અને તેમનો ઊધડો લેતાં માર્મિક કટાક્ષ સાથે કહ્યું હતું કે રાષ્ટ્રીય મિશન ખાલી દંભ અને પાખંડ ન બની જાય, એ મૂળ રૂપે આવવું જોઈએ.

આમ કહેતાં જ કથામંડપમાં બેઠેલા સુજ્ઞ શ્રોતાજનોએ તાળીઓના ગડગડાટથી બાપુને વધાવી લીધા હતા અને દંભી નેતાઓ સામે મૂછમાં હસી પડ્યા હતા.

દેશમાં ચાલી રહેલા સ્વચ્છતા મિશનને મોરારીબાપુએ આવકાર્યું હતું, પરંતુ સાથોસાથ કેટલાંક સ્થળોએ સ્વચ્છતા મિશનના નામે નેતાઓ દ્વારા ખાલી ફોટો પડાવી કરવામાં આવતા દંભની સામે વ્યંગ કરીને દંભી નેતાઓને આડે હાથે લીધા હતા. સ્વચ્છતાના સંદેશ સાથે રામકથાનું રસપાન કરાવી રહેલા સંત મોરારીબાપુએ કથામંડપમાં વાનરનું રૂપ ધરીને કચરો ઉપાડીને સ્વચ્છતા–સફાઈનો સંદેશો આપી રહેલા અને સ્ટેજ પાસે બેઠેલા ત્રણ વાંદરાની સફાઈની વાતને લઈને માર્મિક રીતે ટકોર કરતાં કહ્યું હતું કે આપણે કંઈ કરતા નથી ને ફોટો પડાવીએ છીએ. 

મોરારીબાપુએ મહારાષ્ટ્રમાં જોયેલી એક ઘટના વર્ણવતાં કથામાં કહ્યું હતું કે ‘મહારાષ્ટ્રના એક નેતા કે જેનું નામ હું નહી લઉં, તેઓ સ્વચ્છતા મિશનમાં પરિવાર સાથે જોડાયા, પણ પાંદડું એક જ હતું. આ મારી તલગાજરડી આંખે જોયું છે. એક જ પાંદડું અને ટીવીવાળા એ બતાવ્યા જ કરે, પાંદડું દુખી-દુખી થઈ ગયું. રાષ્ટ્રીય અભિયાન ખાલી દંભ અને પાખંડ ન બની જાય એ મૂળ રૂપે આવવું જોઈએ.’

સ્વચ્છતાના સંદેશ સાથે પહેલી વાર રામકથાનું ગાન કરી રહેલા બાપુએ કહ્યું હતું કે ‘મને ગમ્યું કે મારા ભાગ્યે આ કામ આવ્યું છે. રાષ્ટ્રીય રૂડાં કાર્યો હોય એમાં જોડાવું મને ગમે. એક ઠોસ કાર્યનો મને એક મેસેજ આપવા માટે કથાની સાથે એક સુસંગત વિચાર પ્રસ્તુત થાય છે. આપણે ફોટો પડાવવા આ ધંધો થોડા કરીએ છીએ, પણ હવે તો જ્યાં જોઈએ ત્યાં ફોટો.’

બાપુ, સાવરણો ન લેતા, નહીં તો કોઈ કહેશે કે AAPમાં જોડાઈ ગયા

માનસ સ્વચ્છતા રામકથામાં ગઈ કાલે જ્યારે સ્વચ્છતાના મુદ્દે રાજકારણીઓની વાત નીકળી ત્યારે બાપુએ શ્રોતાઓ સાથે થોડી હળવી પળો માણી હતી. બાપુએ કહ્યું હતું કે મેં જ્યારે ગાંધી આશ્રમની મુલાકાત લીધી ત્યારે કોઈકે મને કહ્યું કે બાપુ, સાવરણો ન લેતા, નહીં તો કોઈ કહેશે કે તમે આમ આદમી પાર્ટી (AAP)માં જોડાઈ ગયા.