"પાઘડીવાળાએ જે વાત કહેવાની હતી એ દાઢીવાળા કહીને આવ્યા"

19 December, 2011 05:19 AM IST  | 

"પાઘડીવાળાએ જે વાત કહેવાની હતી એ દાઢીવાળા કહીને આવ્યા"



વીરપુરમાં ગયા રવિવારથી શરૂ થયેલી ‘માનસ-સંતકથા’ના અંતિમ દિવસે મોરારીબાપુને સાંભળવા માટે પોણો લાખથી પણ વધુ સંખ્યામાં શ્રોતાઓ ઊમટી પડ્યા હતા. આટલી મોટી સંખ્યામાં શ્રોતાગણ જોઈને પ્રખર રામાયણકાર પણ ખીલ્યા હતા અને બપોરે સાડાબાર વાગ્યે કથા પૂરી થવાના સમયને બદલે બપોરે પોણાબે વાગ્યા સુધી કથા ચાલુ રાખી હતી. કથાના અંતિમ ચરણમાં મોરારીબાપુએ કહ્યું હતું કે ‘આજની આ પૂરી થતી રામકથા અને અગાઉ કરેલી રામકથા વચ્ચે એક દશકો પસાર થઈ ગયો છે, પણ આજે આ વ્યાસપીઠ પરથી હું વિનંતી કરું છું કે આટલો મોટો સમયગાળો હવે પસાર નહીં થવા દેતા. મને વહેલો બોલાવજો અને ફરીથી રામનું ગાન કરવાનો મોકો આપજો.’

ગઈ કાલની રામકથાના અંતિમ ચરણમાં મોરારીબાપુ ખરા અર્થમાં ખીલ્યા હતા. રામસેતુની વાત કરતાં-કરતાં તેમણે કહ્યું હતું કે ‘આ રામસેતુ અમેરિકાની ઓલી નાસા નામની સંસ્થાને દેખાય છે, પણ ચશ્માં પહેરતા કરુણાનિધિને રામસેતુ નહોતો દેખાયો. આમાં ચશ્માંનો વાંક કાઢવો કે પછી શ્રદ્ધાનો એ જ સમજાતું નથી.’

ગઈ કાલની રામકથામાં મોરારીબાપુએ ઇનડાયરેક્ટલી મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા હતાં તો વડા પ્રધાન મનમોહન સિંહની ટીકા પણ કરી હતી. મોરારીબાપુએ કહ્યું હતું કે ‘કૈલાસ પર્વતવાળી જમીન પર ચીન આવતું જાય છે એને રોકવાની વાત પાઘડીવાળા (વડા પ્રધાન મનમોહન સિંહ)એ કરવાની હતી, પણ તેઓ જે બોલી નહોતા શક્યા એ વાત દાઢીવાળા (નરેન્દ્ર મોદી) નેતા ચીન જઈને કહી આવ્યા. સત્ય બોલવા માટે હિંમતની જરૂર નથી. એ હિંમત તો સત્યની સાથે આપોઆપ જ આવી જતી હોય છે.’