સ્ટેજ પર બાપુ રમ્યા ગરબા

25 December, 2011 04:59 AM IST  | 

સ્ટેજ પર બાપુ રમ્યા ગરબા


આ પ્રસંગ બન્યો હતો જૂનાગઢમાં અત્યારે ચાલી રહેલા ગુજરાત સાહિત્ય પરિષદના ૪૬મા અધિવેશનમાં. અધિવેશનના ઉદ્ઘાટન માટે જૂનાગઢ આવેલા મોરારીબાપુએ કહ્યું હતું કે સાહિત્યના આરાધકો સાથે સત્સંગ કરવાની આ ક્ષણે મનમાં સરસ્વતીમાનો વાસ થયો છે અને હૈયું કહે છે કે આ પણ નવરાત્રિનો જ એક પ્રસંગ છે.

આટલું બોલ્યા પછી મોરારીબાપુએ ગરબો લલકાર્યો હતો, જે સાંભળીને સ્ટેજ પર રહેલા જાણીતા સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને અન્ય લેખક-સાહિત્યકારોએ પણ ગરબા ગાવા માંડ્યા હતા. ત્યારબાદ  મોરારીબાપુએ પણ બધાની સાથે પ્રેમથી ગરબા લેવા માંડ્યા હતા. ગરબા પછી બાપુ સ્ટેજ પર ઉપસ્થિત લોકો સાથે ફેરફુદરડી પણ ફર્યા હતા. જોકે ફુદરડી ફર્યા પછી બાપુ અડધી મિનિટ માટે આંખ બંધ કરીને બેસી ગયા હતા. એ અડધી મિનિટ પછી બાપુએ કહ્યું હતું કે આ ઉંમરે ચક્કર આવે એ સહેજેય ચિંતાજનક વાત કહેવાય, પણ આવી રીતે (ફુદરડી ફરવાની ગમ્મત કર્યા પછી) ચક્કર આવે એ મીઠાં લાગે.