મોરારીબાપુ ફરી રંગમાં બુધવારે તલગાજરડાના ફંક્શનમાં આપશે હાજરી

26 November, 2012 06:13 AM IST  | 

મોરારીબાપુ ફરી રંગમાં બુધવારે તલગાજરડાના ફંક્શનમાં આપશે હાજરી



છેલ્લા દોઢ મહિનાથી લોકસંપર્કમાંથી કટ થઈ ગયેલા અને પોતાના કથાકાળના ઇતિહાસમાં પહેલી વાર કચ્છની આદિપુરની કથા રદ કરનારા પ્રખર રામાયણકાર મોરારીબાપુ બુધવારે તલગાજરડામાં થનારા નરસિંહ મહેતા અવૉર્ડ ફંક્શનમાં હાજર રહેવાના છે. ગળાનું ઇન્ફેક્શન થવાથી અને આ ઇન્ફેક્શનને કારણે સતત તાવની પીડા સહેનારા મોરારીબાપુના સીધા માર્ગદર્શન હેઠળ છેલ્લાં સત્તર વર્ષથી થતાં નરસિંહ મહેતા અવૉર્ડનું ફંક્શન નરસિંહ મહેતાની કર્મ અને જન્મભૂમિ એવા જૂનાગઢમાં થતું પણ બાપુની તબિયત હજી નબળી હોવાથી તેમણે વધુ ટ્રાવેલિંગ ન કરવું પડે એ માટે આ કાર્યક્રમ તલગાજરડામાં રાખવામાં આવ્યો છે. આ વર્ષનો નરસિંહ મહેતા અવૉર્ડ ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત કવિ માધવ રામાનુજને આપવામાં આવવાનો છે. બાપુની નાદુરસ્ત તબિયતને કારણે છેલ્લા દોઢ મહિનામાં તેમના અનેક કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. જેમાં કચ્છના આદિપુર શહેરની રામકથા, જૂનાગઢ જિલ્લાની મસ્જિદનું ઉદ્ઘાટન સાથે નરસિંહ મહેતા અવૉર્ડ ફંક્શન પણ રદ કરવામાં આવ્યું હતું. ફાઇનલી હવે બાપુની તબિયત સારી થઈ જતાં મોરારીબાપુએ ધીમે-ધીમે પોતાનું રૂટીન ગોઠવવાનું શરૂ કર્યું છે. અલબત્ત, હજી બાપુ કથા શરૂ કરે એવી શક્યતા ઓછી છે. બુધવારે તલગાજરડાના કાર્યક્રમમાં બાપુ કેટલી વાર સુધી બોલી શકે છે અને બોલ્યા પછી તેમને કેવી તકલીફ પડે છે એ જોયા પછી તેમના આગામી કાર્યક્રમો નક્કી કરવામાં આવશે.