મોરારીબાપુની અસમંજસ : કથા ગુજરાતીમાં કહું કે હિન્દીમાં?

09 December, 2012 05:43 AM IST  | 

મોરારીબાપુની અસમંજસ : કથા ગુજરાતીમાં કહું કે હિન્દીમાં?




મોરારીબાપુની રામકથામાં કદાચ જવલ્લે જ બનતી રસપ્રદ ઘટના ગઈ કાલે અમદાવાદની કર્ણાવતી ક્લબમાં બની હતી. મોરારીબાપુની ૭૧૯મી રામકથાના પ્રારંભે કથા ગુજરાતીમાં કહું કે હિન્દીમાં એ મુદ્દે બાપુ અસમંજસમાં મુકાઈ ગયા હતા અને ૧૦-૧૫ મિનિટ સુધી આ મુદ્દે ચાલેલી ચર્ચા દરમ્યાન એક તબક્કે તેમણે એમ પણ કહ્યું કે બહુ કરી ભાઈ, મુશ્કિલેં તો બહોત બાર આયી, ઐસી કભી નહીં આયી.

કર્ણાવતી ક્લબમાં ગઈ કાલથી રામકથાનો પ્રારંભ થયો છે. કથાની શરૂઆત બાપુએ હિન્દીમાં કરી. પછી કહ્યું કે સ્પષ્ટતા કરું કે વ્યાસપીઠ પર આવ્યા પછી અમારા પરમ સ્નેહી ગિરીશભાઈ દાણીને પૂછું કે કથા ગુજરાતીમાં રાખું કે હિન્દીમાં? તેમણે પહેલાં કહ્યું, બાપુ આપની જે મરજી. પછી કહ્યું, હિન્દીમાં બધા લાભ લઈ શકે છે, પણ બાપુ નર્ણિય તમારો છે.

આટલું કહ્યા પછી બાપુએ કહ્યું કે હવે હું અસમંજસમાં છું. જાયે તો જાએં કહાં. પછી તેમણે કથામંડપમાં બેઠેલા ભાવિકો તરફ નજર કરીને પૂછ્યું, ‘જનતા કા મત લૂં? મત દેના તો સબકા રાષ્ટ્રીય અધિકાર હૈ. કઈ ભાષામાં કથાનું ગાન કરવામાં આવે? વધુ ને વધુ લોકો સાંભળે-સમજે એ માટે હિન્દીનો ઉપયોગ કરવામાં આવે તો સારું રહેશે, તમારી શું રાય છે?’ પ્રશ્ન પૂછીને બાપુએ જનતાનો મત લેવાની વાત કરી ત્યારે મોટા ભાગના ભાવિકોએ કહ્યું ગુજરાતીમાં અને ઘણાએ હિન્દીમાં કહ્યું. આ જવાબ સાંભળીને બાપુ માથે હાથ ફેરવવા લાગ્યા. પછી શહેનાઈવાદક ગજાનંદભાઈને પૂછ્યું તો તેમણે મરાઠીમાં કહેતાં બાપુએ કહ્યું કે મરાઠી મને નથી આવડતી. બીજી તરફ કથાનું રસપાન કરવા આવેલા ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઉપેન્દ્ર ત્રિવેદીએ પણ કથા ગુજરાતીમાં કહો એમ કહ્યું.

આ તબક્કે બાપુએ કહ્યું, ‘બહુ ભારે કરી ભાઈ, મુશ્કિલેં તો બહોત બાર આયી, ઐસી કભી નહીં આયી. પછી કહ્યું કે નર્ણિય બાદ મેં કરેંગે, દેખતે હૈં પ્રવાહ કિસ તરફ જાએ, ઔર આપ હિન્દી સમઝતે હૈં.’ પછી તેમણે કહ્યું કે અમદાવાદની કિડની હૉસ્પિટલ માટે કથા બાકી છે તો હવે અમદાવાદમાં કથા થશે એ

કિડની હૉસ્પિટલ માટે અને એ કર્ણાવતી ક્લબમાં થશે તથા ત્યારે નર્ણિય કરીશું કે કથા ગુજરાતીમાં કહું કે હિન્દીમાં? આમ કહીને બાપુએ હિન્દીમાં રામકથાનું ગાયન શરૂ કર્યું.