ગુજરાત મૉનસૂન અપડેટ: આશીર્વાદ નહીં, અભિશાપ?

07 July, 2020 08:10 AM IST  |  Rajkot | Rashmin Shah

ગુજરાત મૉનસૂન અપડેટ: આશીર્વાદ નહીં, અભિશાપ?

ગુજરાતમાં અમુક વિસ્તારોમાં ભરાયા પાણી

ઍક્ટિવ થયેલી મૉન્સૂન-સિસ્ટમ અને એની સાથે ભળેલા વેલમાર્ક લો પ્રેશરને કારણે સાઇક્લોનિક સર્ક્યુલેશન જન્મતાં ગુજરાતમાં છેલ્લા ૬ દિવસમાં એકધારો વરસાદ વરસી રહ્યો છે. જોકે આ વરસાદની આવશ્યકતા હતી અને એટલે જ ગુજરાત હવામાન વિભાગ આ વરસાદને ચિક્કાર નહીં, પણ શ્રીકાર વરસાદ ગણાવે છે. આ વરસાદ વાવણીથી માંડીને તળમાં ઊતરવાલાયક અને ડૅમ ભરાવા યોગ્ય હોવાથી ગુજરાત માટે અત્યારનો વરસાદ સારા સમાચાર લાવનારો છે. જોકે મનમાં મૂંઝવણ જન્મે એવી વાત એ છે કે માત્ર એક અઠવાડિયામાં ગુજરાતની જરૂરિયાતનો ૨૨ ટકા વરસાદ પડી ગયો છે અને સીઝન હજી એની ખરી ઊંચાઈએ પહોંચી નથી, તો મૉન્સૂનના હજી પૂરા ૩ મહિના બાકી છે. આવા સમયે જો વરસાદ થોડા સમય પછી વિરામ નહીં લે તો એ આશીર્વાદમાંથી અભિશાપનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે.

એકધારા વરસી રહેલા વરસાદને લીધે ગઈ કાલે સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ રેકૉર્ડ બ્રેક થયો. ગઈ કાલે પોરબંદરમાં ૧૩ ઇંચ વરસાદ પડ્યો હતો. આ અગાઉ ૧૧ વર્ષ પહેલાં ૧૨ ઇંચ વરસાદ પડ્યો હતો, જેનો રેકૉર્ડ તૂટ્યો, તો ગઈ કાલે દ્વારકામાં ૧૧ ઇંચ વરસાદ પડ્યો હતો. આ અગાઉ ૨૦૧૪માં દ્વારકામાં એક દિવસમાં ૧૦ ઇંચ વરસાદ પડ્યો હતો. વિસાવદરમાં ગઈ કાલે ૧૧ ઇંચ વરસાદ પડ્યો હતો. અગાઉ ૨૦૦૮માં વિસાવદરમાં એક દિવસમાં ૧૧ ઇંચ વરસાદ પડ્યો હોતો. ખંભાળિયામાં ૩૦ કલાકમાં ૧૬ ઇંચ વરસાદ પડ્યો, જેણે ૨૦૦૧ના વર્ષનો રેકૉર્ડ બ્રેક કર્યો છે.

ક્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો?
રાજકોટ - ૧૦
ગીરગઢડા- ૯
કેશોદ - ૮
મેંદરડા - ૮
માણાવદર - ૭
ખાંભા - ૬

Rashmin Shah gujarat rajkot saurashtra Gujarat Rains