ગુજરાતમાં ચોમાસું હજી પણ એકથી દોઢ મહિનો ચાલશે

09 September, 2012 05:46 AM IST  | 

ગુજરાતમાં ચોમાસું હજી પણ એકથી દોઢ મહિનો ચાલશે

ગુજરાત હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે ‘ગુજરાત પર અત્યારે જે લો-પ્રેશર છવાયેલું હતું એ વેલમાર્ક સામાન્ય રીતે અતિશય ક્લાઉડી સીઝનમાં અને ચોમાસાના મિડલમાં દેખાતું હોય છે. એ દેખાડે છે કે હજી ચોમાસું ચાલુ છે અને આવતા એકથી દોઢ મહિના સુધી ચાલુ રહેશે.’

છેલ્લા ચાર દિવસથી ગુજરાત પર છવાયેલા વેલમાર્ક લો-પ્રેશરની અસર ગઈ કાલથી ઓસરવાની શરૂઆત થઈ હતી એને કારણે ગુજરાતમાં પહેલી વાર સૂર્યનારાયણનાં દર્શન થયાં હતાં. જોકે એ પછી પણ લો-પ્રેશરનાં છૂટાછવાયાં ઝાપટાં ચાલુ રહ્યાં હતાં.

ગઈ કાલે ગુજરાતના ૭૨ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ ઈડરમાં પડ્યો હતો. ઈડરમાં ૨૪ કલાકમાં ૧૨ ઇંચ વરસાદ પડ્યો હતો; જ્યારે ડીસામાં એક, રાજકોટમાં એક, વડોદરામાં એક, વલ્લભવિદ્યાનગરમાં દોઢ, ગાંધીનગરમાં એક, ભુજમાં એક, મહુવામાં એક, સુરતમાં એક, નલિયામાં પોણાબે, માંડવીમાં પોણો, સુરેન્દ્રનગરમાં દોઢ, અમરેલીમાં સવા, ભાવનગરમાં એક અને જૂનાગઢમાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાત હવામાન વિભાગની આગાહી મુજબ આવતા ૨૪થી ૪૮ કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.