ગુજરાતમાં ૮ ઑગસ્ટ સુધી વરસાદનાં કોઈ એંધાણ નથી

27 July, 2012 05:31 AM IST  | 

ગુજરાતમાં ૮ ઑગસ્ટ સુધી વરસાદનાં કોઈ એંધાણ નથી

ગુજરાતના હવામાન વિભાગનાં સિનિયર ઑફિસર મનોરમા મોહંતીએ કહ્યું હતું કે અરબી સમુદ્ર કે બંગાળની ખાડી પર અત્યારે કોઈ પ્રેશર છે નહીં અને સૅટેલાઇટ પિક્ચર્સ પરથી લાગે છે કે ૮ ઑગસ્ટ સુધી નવી સિસ્ટમ ડેવલપ થાય એવા ચાન્સિસ પણ ઓછા છે એટલે હવે ગુજરાતમાં જ્યાં પણ વરસાદ પડશે એ અતિ સામાન્ય હશે.

 

ગઈ કાલે ગુજરાતના વેરાવળ, દીવ, મહુવા, ભાવનગર, વલસાડ અને સુરતમાં હળવાં ઝાપટાં પડ્યાં હતાં; જ્યારે રાજુલમાં એક ઇંચ, ધાંગ્રધામાં અડધો ઇંચ, પાલનપુરમાં એક ઇંચ, વડોદરામાં પોણો ઇંચ, કલોલમાં અડધો ઇંચ, લખતરમાં અડધો ઇંચ અને તાલાળામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. ગુજરાતના અન્ય વિસ્તારોમાં દિવસ દરમ્યાન સામાન્ય વાદળછાયું વાતાવરણ રહ્યું હતું.

થોડા દિવસમાં વરસાદની અછત ઓછી થશે : હવામાન વિભાગ

ભારતીય હવામાન વિભાગે ગઈ કાલે હૈયાધારણ આપી હતી કે આવનારા દિવસોમાં વરસાદની અછતમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગે પૂર્વોત્તર, મધ્ય તથા ગંગા તટ પ્રદેશના વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી. ચોમાસામાં અત્યાર સુધીમાં ૨૨ ટકા ઓછો વરસાદ છે. હવામાન વિભાગના ડિરેક્ટર એલ. એસ. રાઠોડે ગઈ કાલે ફૂડ-મિનિસ્ટર કે. વી. થોમસ સાથેની બેઠક બાદ કહ્યું હતું કે ચોમાસું સક્રિય નથી એ સાચું છે, પણ હજી ચોમાસું સાવ ઠપ થયું નથી. રાઠોડે કહ્યું હતું કે સૌથી વધારે ચિંતા પિમ ભારતમાં છે.