રાજકોટના સંસદસભ્ય મોહન કૂંડારિયાને મળી શકે પ્રધાનપદ

09 November, 2014 05:14 AM IST  | 

રાજકોટના સંસદસભ્ય મોહન કૂંડારિયાને મળી શકે પ્રધાનપદ




રાજકોટના સંસદસભ્ય અને કડવા પાટીદાર નેતા મોહન કૂંડારિયાને ગઈ કાલે નરેન્દ્ર મોદીએ તાત્કાલિક અસરથી દિલ્હી પહોંચવાનો આદેશ આપતાં ગઈ કાલે મોહનભાઈ દિલ્હી જવા રવાના થયા હતા. પ્રધાનમંડળના વિસ્તરણની ચર્ચા છેલ્લા ચાર દિવસથી દિલ્હીમાં ચાલી રહી હોવાથી મોહનભાઈને દિલ્હી બોલાવવામાં આવ્યા છે. મોહન કૂંડારિયાને જ્યારે આ બાબતમાં પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રોટોકૉલને યાદ દેવડાવીને આ બાબતમાં કૉન્ટૅક્ટ કરવાની ના પાડી હતી, પણ મોહન કૂંડારિયાને પ્રધાનપદ આપવામાં આવશે એવું ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓએ કહ્યું હતું.

ગુજરાતમાં કડવા પાટીદારોની વસ્તી સૌથી વધુ હોવાથી એ કમ્યુનિટીને હાથવગી કરવાના ઇરાદે મોહનભાઈને મંત્રીપદ આપવામાં આવે એવી ગણતરી મૂકવામાં આવી રહી છે. મોહનભાઈ છેલ્લાં ત્રીસ વર્ષથી પૉલિટિક્સમાં છે. આ અગાઉ તે રાજકોટ જિલ્લાની ટંકારા બેઠક પરથી પાંચ વખત વિધાનસભા જીતી ચૂક્યા છે અને એક વખત કેશુભાઈ પટેલના તથા એક વખત નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં પણ રહી ચૂક્યા છે.