નરેન્દ્ર મોદી તો ચારસોવીસ છે : કેશુબાપા

18 November, 2012 03:54 AM IST  | 

નરેન્દ્ર મોદી તો ચારસોવીસ છે : કેશુબાપા



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૧૮

જીપીપીના પ્રેસિડન્ટ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું ગઈ કાલનું મહાસંમેલન તેમના ગઢ એવા રાજકોટ શહેરમાં હતું અને આ જ કારણે ગુજરાતના સૌથી મોટા પક્ષ એવા બીજેપી અને કૉન્ગ્રેસ એમ બન્ને પાર્ટીની નજર કેશુભાઈ પટેલના આ મહાસંમેલન પર હતી. જાણે કે આ વિશે મહાસંમેલનમાં આવેલા લોકોને ખબર હોય એમ જેવા કેશુભાઈ પટેલ મંચ પર આવ્યા કે તરત જ નારેબાજી શરૂ થઈ હતી અને રાજકોટના રેસર્કોસ મેદાનમાં આવેલા ત્રીસ હજારથી વધુની મેદનીએ ‘દેખો, દેખો કૌન આયા... સૌરાષ્ટ્ર કા શેર આયા...’ લગાવ્યા હતા. આ નારા લગભગ દસ મિનિટ સુધી ચાલુ રહ્યા હતા અને છેવટે કેશુભાઈ પટેલે ઊભા થઈને બધાને ચૂપ રહેવા માટે ઇશારા કર્યા ત્યારે પબ્લિક ચૂપ થઈ હતી.

કેશુભાઈ પટેલના આ સંમેલનમાં ગઈ કાલે રાજકોટ ચેમ્બર ઑફ કૉમર્સ અને સૌરાષ્ટ્ર-કચ્છ સ્ટૉક એક્સચેન્જના અસોસિએશનના હોદ્દેદાર સહિત બીજેપીના રાજકોટ જિલ્લાના ૧૧૧૧ કાર્યકરો જીપીપીમાં જોડાયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ભૂતપૂર્વ પ્રાંતસંચાલક પ્રવીણભાઈ મણિયાર પહેલેથી જીપીપી સાથે હતા, પણ ઑફિશ્યલી પાર્ટી તેમણે ગઈ કાલે જૉઇન કરી હતી. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘આ પાર્ટીમાં નાણાં કોઈ પાસે નથી, પણ સત્ય અને પ્રામાણિકતા બધામાં ઠાંસોઠાસ ભરાયેલી છે.’

મોદી અને તેમનો શાસનકાળ

ગઈ કાલે કેશુભાઈ પટેલ નરેન્દ્ર મોદીના શાસનકાળમાં થયેલાં કૌભાંડ અને ક્રાઇમનો ડેટા લાવ્યા હતા. કેશુભાઈ પટેલે કહ્યું હતું કે ‘ગુજરાતમાં છેલ્લાં અગિયાર વર્ષમાં કુલ ૧૧,૦૦૦ બાળકો ગુમ થયાં છે. આ અગિયાર વર્ષમાં કુલ ૨૫,૦૦,૦૦૦થી વધુ ગુના નોંધાયા છે, નોંધાયા ન હોય કે સેટિંગ થઈ ગયું હોય એવા ગુનાઓ તો જુદા છે. મોટી-મોટી વાત કરનારા નરેન્દ્ર મોદીથી ખાલી સંઘ અને બીજેપી જ નહીં, ગુજરાત પણ હવે ત્રસ્ત છે. નરેન્દ્ર મોદી ચારસોવીસ છે. તેમના રાજમાં અગિયાર વર્ષમાં ૪૪,૦૦૦ કરોડનો ભ્રષ્ટાચાર થયો છે. પોતાની આપવડાઈ હાંકવામાં આ માણસે ગુજરાતના દેવામાં ૧,૦૦,૦૦૦ કરોડ રૂપિયાનું દેવું વધારી દીધું છે. મેં સરકાર છોડી ત્યારે ગુજરાતમાં ૩૫,૦૦,૦૦૦ હેક્ટર જમીન ગૌચર માટે હતી, પણ આજે ખાલી ૯,૦૦,૦૦૦ હેક્ટર જમીન બચી છે, બાકી બધી જમીન અદાણી, રિલાયન્સ અને એસ્સારને જમાડી દેવામાં આવી છે.’

આ બૅટથી હાંકી કાઢવો છે ત્રાસ

જીપીપીને શુક્રવારે ઇલેક્શન કમિશને ઇલેક્શન સિમ્બૉલ તરીકે બૅટના સિમ્બૉલની ફાળવણી કરી હતી. કેશુભાઈ પટેલે બૅટ દેખાડતાં રાજકોટના ટીમ ઇન્ડિયાના પ્લેયર ચેતેfવર પૂજારાને યાદ કર્યો હતો અને કહ્યું હતું કે ‘આ બૅટથી ચેતેfવરે ચોગ્ગા-છગ્ગા મારી લીધા અને અંગ્રેજોના છક્કા છોડાવી દીધા. હવે તમારા બધાનો વારો છો. હવે આ બૅટથી એવા મત ફટકારવાના છે કે જેનાથી કાયમ માટે ત્રાસમાંથી છુટકારો મળી જાય.