મોદીનો ઉમેદવારોને અનોખો ફતવો

03 December, 2012 05:17 AM IST  | 

મોદીનો ઉમેદવારોને અનોખો ફતવો




આઇડિયા અને કીમિયા લડાવવામાં ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કદાચ કોઈ ન પહોંચી શકે. ઍટલીસ્ટ ગુજરાતમાં તો તેમની તોલે આવે એવું કોઈ દેખાતું નથી. આ ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં સમય ઓછો હોવાથી ગુજરાતના મુખ્ય પ્રધાને પોતાના બધા ઉમેદવારોને એવો ઑર્ડર કર્યો છે કે અત્યારે મૅરેજ સીઝન ચાલુ છે એટલે તમારા મતવિસ્તારમાં થનારા મૅરેજના ફંક્શનમાં કોઈ પણ ભોગે જાઓ અને એ મૅરેજમાં આવેલા જાનૈયા અને માંડવિયાઓને મળીને તેમની વચ્ચે બીજેપીનો પ્રચાર કરો. ગુજરાત વિધાનસભાના બીજેપીના એક ઉમેદવારે કબૂલ કર્યું હતું અને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઓછા સમયમાં વધુ ને વધુ લોકો મળી જાય અને એ પણ ઝાઝા ખર્ચ વિના એવો આ આઇડિયા નરેન્દ્ર મોદીએ આપ્યો છે અને અમે એનો અમલ પણ કરવા માંડ્યા છીએ.’

મૅરેજ ફંક્શનમાં જવાનો આ ઑર્ડર આવ્યા પછી હવે બન્યું છે એવું કે બીજેપીના ઉમેદવારોના કાર્યકરો હવે પોતપોતાના ગ્રુપમાંથી કંકોતરી એકઠી કરતા થઈ ગયા છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, ભાવનગર અને જૂનાગઢ જિલ્લાના ઉમેદવારો તો મૅરેજમાં ખાલી હાથે જવાને બદલે ગિફ્ટ પણ પોતાની સાથે લઈ જાય છે. જોકે આ ગિફ્ટનો ખર્ચ ઇલેક્શનમાં ન ગણાય એ માટે ઉમેદવારોના કાર્યકર્તા ઉમેદવારના નામની કંકોતરી જુદી લખાવે છે અને મૅરેજ કરનારા ઉમેદવારના ફૅમિલી ફ્રેન્ડ છે એવો દેખાવ કરી લે છે. અલબત્ત, એક જ સ્થળે એકસાથે આઠસો-હજાર લોકો મળી જતા હોવાથી આ પાંચસો-સાતસોની ગિફ્ટનો ખર્ચ કોઈ મહત્વતા નથી ધરાવતો.