હું મુખ્ય પ્રધાન નહીં, વૉચમૅન છું : નરેન્દ્ર મોદી

13 December, 2012 05:34 AM IST  | 

હું મુખ્ય પ્રધાન નહીં, વૉચમૅન છું : નરેન્દ્ર મોદી



ગઈ કાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની ચાર બેઠકોનું પ્રચાર કાર્ય તો બંધ રહ્યું હતું, પણ બીજેપી અને કૉન્ગ્રેસે પોતાના પ્રચારનો મારો બીજા તબક્કાના મતદાનોવાળી બેઠકો પર ચાલુ રાખ્યું હતું. બીજા તબક્કાના ઇલેક્શનમાં જે ૯૫ બેઠકોનો સમાવેશ થાય છે એ ૯૫માંથી ૮ બેઠક પર ગઈ કાલે નરેન્દ્ર મોદીએ જાહેર સભા કરી હતી. આ પૈકીની દાહોદની જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘જો કૉન્ગ્રેસ એવું ધારતી હોય કે હું ગુજરાતનો મુખ્ય પ્રધાન છું તો એ ખોટું ધારે છે. હું ગુજરાતનો મુખ્ય પ્રધાન છું જ નહીં. હું તો ગુજરાતનો વૉચમૅન છું અને કૉન્ગ્રેસને ગુજરાતથી દૂર રાખવાનું કામ કરું છું. ભ્રષ્ટાચાર કરીને કેન્દ્રની તિજોરી કૉન્ગ્રેસે ખાલી કરી નાખી છે. આ પૈસાખાઉં કૉન્ગ્રેસને હું ગુજરાતીની તિજોરી પર પંજો મૂકવા નહીં દઉં.’ ગઈ કાલે મધ્ય ગુજરાતમાં ખેડા જિલ્લામાં માતરની સભામાં ક્રિકેટર ઇરફાન પઠાણ પણ મોદી સાથે સ્ટેજ પર જોડાયો હતો.

એક પણ રજા લીધી નથી

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે પહેલી વખત સ્પષ્ટતા કરી હતી કે ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી તેમણે એક પણ દિવસ રજા રાખી નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આ મારો દાવો નથી, આનો મારી પાસે પુરાવો પણ છે. મુખ્ય પ્રધાનના કાર્યાલયનું મસ્ટર કોઈ પણ ચેક કરી શકે છે. રવિવાર હોય કે દિવાળી, ધુળેટી હોય કે પછી ભાઈબીજ. તમારો આ વૉચમૅન કાર્યાલયે ગયો છે અને ત્યાં જઈને કામ કર્યું છે. મને કામ સિવાય કંઈ સૂઝતું નથી. વિકાસ સિવાય મારી કોઈ દિશા નથી અને એટલે હું દાવા સાથે કહીં શકું છું મારી કે મારા ગુજરાતની કોઈ દશા કે દિશા ફેરવી શકવાનું નથી.’

કામ મારો શોખ છે

રવિવારની કે તહેવારની રજા નહીં લેનારા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાતની પણ ચોખવટ કરી હતી કે આ રજાઓના દિવસે કામ કરવાના કોઈ પૈસા તેમણે પોતાના પગારમાં ઉધાર્યા નથી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કામ કરવું એ મારો શોખ છે. જો રજાના પૈસા ન મળવાના હોય તો પણ હું કામ કરવાનો હોઉં તો મને રજાના પૈસા મળે ત્યારે કામ કરવાની લત ન લાગવી જોઈએ. આ કારણે જ મેં ક્યારેય રાજ્યના ખાતામાં મારી રજા ભરવાના પૈસા ઉધાર્યા નથી અને ક્યારેય ઉધારવાનો નથી. હા, એ વાત સાચી છે કે મેં મારા પગારમાંથી બચત કરી છે, પણ એ મેં કટોકટીના સમય માટે બચત કરી છે. જે સમયે મારા રાજ્ય પર કટોકટી આવશે કે બીજી કોઈ તકલીફ આવશે એ સમયે હું મારું આખું બૅન્ક અકાઉન્ટ રાજ્યના મુખ્ય પ્રધાન રાહત ફન્ડના ખાતામાં ખાલી કરી નાખીશ.’

લોન એને મળે જેની ક્રેડિટ હોય


કૉન્ગ્રેસના પ્રચારકો ગુજરાત રાજ્યના માથે વધેલાં દેણાંની વાત કરતાં આક્ષેપ કરે છે કે ગુજરાત પર અત્યારે ૧,૪૪,૦૦૦ કરોડનું દેણું છે. કૉન્ગ્રેસના આ આક્ષેપનો જવાબ ગઈ કાલે ડભોઈની જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ જરા રમૂજી રીતે આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘જેને કૉન્ગ્રેસ દેણું કહે છે એ હકીકતે લોન છે. કૉન્ગ્રેસના રાજમાં ગુજરાત પર ૭૦૦૦ કરોડની લોન હતી અને અત્યારે ગુજરાત પાસે ૧,૪૪,૦૦૦ કરોડની લોન છે. ભાઈઓ, લોન એને મળે જેની ક્રેડિટ હોય. મોટી ક્રેડિટ, એને મોટી લોન. બોલો, જોઈએ છેલ્લાં બાર વર્ષમાં ૧,૪૪,૦૦૦ લોન મળી તો ક્રેડિટ પણ એવડી થઈ હશેને... આવડી લોન તો પેલા ગૂગલ અને ફેસબુકના માલિકોને પણ નહીં મળતી હોય.’