મોદીએ ચીનને કહ્યું, સુરતના ડાયમન્ડ કટર્સ સહિત બાવીસ વ્યક્તિઓને છોડી મૂકો

10 November, 2011 04:05 PM IST  | 

મોદીએ ચીનને કહ્યું, સુરતના ડાયમન્ડ કટર્સ સહિત બાવીસ વ્યક્તિઓને છોડી મૂકો



(શૈલેશ નાયક)

અમદાવાદ, તા. ૧૦

ચીનની મુલાકાતે ગયેલા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજિંગમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાના ઇન્ટરનૅશનલ ડિપાર્ટમેન્ટના વાઇસ મિનિસ્ટર ચેન્ગ ફેન્ગ ઝિંયાગ સાથેની બેઠકમાં ચીનની જેલમાં બંદીવાન બનાવેલા સુરતના ડાયમન્ડ કટર્સ સહિત બાવીસ ભારતીયોના મુદ્દા બાબતે રજૂઆત કરી હતી, જ્યારે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઇનાના પૉલિટ બ્યુરોના મેમ્બર અને ચાઇના પીપલ્સ પૉલિટિકલ કન્સલ્ટેટિવ કૉન્ફરન્સના વાઇસ પ્રેસિડન્ટ વેન્ગ ગન્ગની સાથે પણ ચીનની જેલમાં બંદીવાન બનાવેલા ગુજરાતના ૨૨ જેટલા યુવાનોને છોડવા બાબતે ચર્ચા કરી હતી.

ચીનની નેતાગીરી સમક્ષ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલનો કેટલોક ભાગ ચીનના નકશામાં ખોટી રીતે દર્શાવ્યો છે એ મુદ્દા સહિત પાકિસ્તાન ઑક્યુપાઇડ કાશ્મીર (પીઓકે)માં ચીનની ડિફેન્સ આર્મીની હાજરી બાબતના મુદ્દાઓ બેઠક દરમ્યાન રજૂ કર્યા હતા.

પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચીનના સૈન્યની હાજરી વિશે મોદીએ ચીનને કહ્યું હતું કે પાકિસ્તાન તમારો ઉપયોગ કરી રહ્યું છે.