તમારા ભાઈની રક્ષા કરતા ભાઈઓને પણ રાખડી બાંધો

03 August, 2012 05:38 AM IST  | 

તમારા ભાઈની રક્ષા કરતા ભાઈઓને પણ રાખડી બાંધો

ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી બાંધવાનો અવસર હોય ત્યારે સ્વાભાવિકપણે બહેનોનાં ટોળાં વળે એ સમજી શકાય. ગઈ કાલે પણ કંઈક એવું જ થયું અને મુખ્ય પ્રધાનના બંગલામાં રાખવામાં આવેલા રક્ષાબંધનના કાર્યક્રમમાં મોદીને રાખડી બાંધવા માટે ૫૦૧ મહિલાઓ અને યુવતીઓ આવી હતી. મોદીએ ત્રીસથી ચાલીસ રાખડીઓ તો પ્રેમથી બંધાવી, પણ પછી તેમણે સામેથી પોતાના સિક્યૉરિટી ગાર્ડ્સ અને એનએસજી કમાન્ડો દેખાડીને બહેનોને કહ્યું કે ‘ભાઈની આટલી ચિંતા થાય એ તો સમજાય, પણ તમારા ભાઈની રક્ષા કરતા આ ભાઈઓને પણ રાખડી બાંધો.’ મોદીસાહેબનું સજેશન હોય પછી કોણ મુહૂર્ત જોવા રોકાય?

બધી બહેનો અને બહેનોની સાથે આવેલાં ગુજરાતના મહિલા અને બાળ-કલ્યાણ ખાતાનાં પ્રધાન આનંદીબહેન પટેલ માટે ગાર્ડ્સ અને કમાન્ડોને મંડપ નીચે બોલાવી લેવામાં આવ્યા અને બાકીની બધી રાખડી તે લોકોને બાંધવામાં આવી. જોકે એ પછી પણ મોદીના હાથમાં તો તે બધી બહેનોએ રાખડી બાંધી જ હતી. હાથમાં પ૦૧ રાખડીઓના કારણે એક તબક્કે તો મોદીના કાંડામાં રાખડી બાંધવાની જગ્યા પણ નહોતી રહી એટલે બહેનો આ કાંડા પર રાખડી ગોઠવી દેતી હતી.

તસવીર : નીરવ ત્રિવેદી

એનએસજી = નૅશનલ સિક્યૉરિટી ગાર્ડ

ભાઈ મોદીએ બહેનોને શું ભેટ આપી?

પોતાને અને પોતાના ગાર્ડ્સ અને કમાન્ડોને રાખડી બાંધનારી બહેનોને મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ સાડી, ડ્રાયફ્રૂટની મીઠાઈનું બૉક્સ અને એક બંધ કવરમાં રોકડ રકમ ભેટ તરીકે આપી હતી. જે નાની દીકરીઓએ મોદીને રાખડી બાંધી તે સૌને મોદીએ મીઠાઈનું બૉક્સ, ચૉકલેટનું બૉક્સ, રોકડ રકમનું બંધ કવર અને વાંચવા માટે પાંચ પુસ્તકો ભેટ આપ્યાં હતાં.

ભૈયા મેરે રાખી કે બંધન કો નિભાના

રક્ષાબંધનના દિવસે ગઈ કાલે રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી (ડાબે)ના કાંડે એક નાનકડી બાળકીએ રાખડી બાંધી હતી. રાષ્ટ્રપતિભવનમાં આ બાળકી ઉપરાંત અનેક કિશોરીઓ તથા મહિલાઓએ પ્રણવદાને રાખડી બાંધીને તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. દિલ્હીના જંતરમંતર પર ઉપવાસ કરી રહેલા અણ્ણા હઝારેને પણ એક યુવતીએ રાખી બાંધીને ભ્રષ્ટાચાર સામેના તેમના આંદોલનમાં સફળ થવાની શુભેચ્છા પાઠવી હતી.

તસવીરો : એએફપી