મોદી આપશે પાંચ વર્ષમાં ૫૦ લાખ ઘર અને ૩૦ લાખ નોકરી

04 December, 2012 04:04 AM IST  | 

મોદી આપશે પાંચ વર્ષમાં ૫૦ લાખ ઘર અને ૩૦ લાખ નોકરી




ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે બીજેપીના સિનિયર નેતા અરુણ જેટલી, પ્રદેશપ્રમુખ આર. સી. ફળદુ સાથે સંકલ્પ પત્રને નામે ચૂંટણીઢંઢેરો જાહેર કર્યો હતો. કૉન્ગ્રેસની ‘ઘરનું ઘર’ યોજનાની લગભગ નકલ કરતાં મોદીએ પણ પાંચ વર્ષમાં ૫૦ લાખ રહેણાક મકાનો બાંધીને એની ફાળવણી કરવાનું પ્રૉમિસ આપ્યું હતું. આ સાથે સંકલ્પ પત્રમાં ૩૦ લાખ નવી નોકરીઓની તકો ઊભી કરવાનો સંકલ્પ પણ લેવામાં આવ્યો છે. મોદીએ સાડાછ કરોડ ગુજરાતીઓને વીમા કવચ હેઠળ આવરી લેવાનું પ્રૉમિસ પણ આપ્યું હતું. સંકલ્પ પત્ર જાહેર કરતાં મોદીએ કહ્યું હતું કે ‘એક સમય એવો હતો કે રાજકીય પક્ષો આપેલાં વચનોને ઢંઢેરો શબ્દથી ઓળખવામાં આવતો, પણ બીજેપીએ તેને સંકલ્પ પત્ર તરીકે જાહેર કર્યો છે. આ સંકલ્પ પત્રમાં અમારું વિઝન-ઍક્શન પ્લાન છે. બીજેપી માટે સંકલ્પ પત્ર ગંભીર બાબત છે, અમને ખબર છે કે અમારી જવાબદારી શું છે.’

‘મારા વિસ્તારમાં મારું મકાન’

નરેન્દ્ર મોદીએ વચન આપતાં સંકલ્પ જાહેર કરતાં કહ્યું હતું કે આગામી પાંચ વર્ષમાં ૫૦ લાખ મકાનો બનાવવાની જવાબદારી અમે માથે લઈએ છીએ. ‘મારા વિસ્તારમાં મારું મકાન’ એટલે કે જ્યાં રહેતા હોય એ વિસ્તારમાં નાગરિકનું પોતાની માલિકીના મકાનનું સપનું સાકાર કરવાની આ મહત્વાકાંક્ષી યોજનામાં આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ વિસ્તારમાં ૨૮ લાખ અને શહેરી વિસ્તારમાં ૨૨ લાખ મકાનો મળી ૫૦ લાખ પાકાં સુવિધાવાળાં મકાનો બાંધીને ફાળવવામાં આવશે. રૂપિયા ૩૩,૦૦૦ કરોડની આ ગૃહ સમૃદ્ધિ યોજનાના અમલીકરણ માટે મુખ્ય પ્રધાનના અધ્યક્ષ સ્થાને અલગ વિભાગ કાર્યરત થશે.

સ્કેલ, સ્કિલ અને સ્પીડ

વિશ્વ જે ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે ગુજરાતે સ્કેલ, સ્કિલ અને સ્પીડને બળવત્તર બનાવવાનું આયોજન કર્યું છે. ગુજરાતમાં સ્કિલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન રચાશે. યુવાશક્તિના સવાર઼્ગી વિકાસ, કૌશલ્ય વિકાસ, કારકર્દિી અને રોજગાર તાલીમના અનેક અવસરો સાથેની યુવાનીતિ અમલમાં આવશે. ઔદ્યોગિક અને સેવાકીય ક્ષેત્રોના વિકાસ સંલગ્ન ૩૦ લાખથી વધુ યુવાનો માટે રોજગાર નર્મિાણ અને તકોનું આયોજન કરવામાં આવશે.

મોદીના સંકલ્પ પત્રની શું છે ખાસ વાત?

દરેક ઘરમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે.


ગુજરાતમાં વધુ ૧૬ લાખ હેકટર જમીન સિંચાઈ હેઠળ આવરી લેવામાં આવશે.


૧૦,૦૦૦ કરોડ રૂપિયાને ખર્ચે ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રના બધા જ ડેમો અને જળાશયો નર્મદાના પાણીથી ભરી દેવાનું, નર્મદાના પૂરના વધારાના એક મિલ્યન એકર ફીટ પાણી માટેનું નર્મદા અવતરણ ઇરિગેશન અભિયાન.


ગુજરાતમાં હાલનું વીજઉત્પાદન પાંચ વર્ષમાં વધારીને બમણું કરવામાં આવશે.


યુવાનોને સ્વરોજગાર માટેના બૅન્કધિરાણ માટે રાજ્ય સરકાર ગૅરન્ટર બનશે.


૩૦ લાખ મહિલાઓને મિશન મંગલમ્ પ્રોજેક્ટ અન્વયે સખી મંડળોમાં આર્થિક પ્રવૃતિઓ, સ્વરોજગાર અને કૌશલ્ય વિકાસ માટે પ્રેરિત કરવામાં આવશે.


સરકારી નોકરીમાં ભરતીની વયમર્યાદામાં વધારો.
દરેક જ્ઞાતિ-સમાજ માટે સમૂહલગ્ન માટે સહાય.