મૅચમાં પણ છવાયો મોદી-ફીવર

29 December, 2012 06:01 AM IST  | 

મૅચમાં પણ છવાયો મોદી-ફીવર



અમદાવાદ: ગુજરાતના ચીફ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનો ફીવર ગઈ કાલે મોટેરા સ્ટેડિયમમાં પણ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદીના કેટલાક ચાહકોએ તેમનો માસ્ક પહેરીને સ્ટેડિયમમાં એન્ટ્રી લીધી હતી. સુંદર શર્મા નામના નરેન્દ્ર મોદીના ફૅને માથે સાફો અને એમાં નરેન્દ્ર મોદીનો ફોટો તથા એની નીચે ‘એક હી ટાઇગર’ના લખાણ સાથે સ્ટેડિયમમાં એન્ટ્રી મારતાં તે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.

અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં ગઈ કાલે ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મૅચ જોવા આવેલા અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં રહેતા સુંદર શર્માએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી જેવો કોઈ નેતામાં દમ નથી. પહેલાં એક થા ટાઇગર અને તે હતા બાળ ઠાકરે. હવે એક હી ટાઇગર છે અને તે છે નરેન્દ્ર મોદી.’

નરેનદ્ર મોદી અને ક્રિકેટને શું લાગેવળગે? એવા સવાલના જવાબમાં સુંદર શર્માએ કહ્યું હતું કે ‘તેઓ ગુજરાત ક્રિકેટ અસોસિએશનના પ્રમુખ છે એટલે ગુજરાતની જેમ સ્ટેડિયમને પણ હાઈ ક્લાસ બનાવી દેશે. હું આ એટલા માટે પહેરીને આવ્યો છું કેમ કે તેમનો ફૅન છું અને તેમણે હાલમાં જ વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હૅટ-ટ્રિક કરી છે.

ગઈ કાલની મૅચમાં ધ્યાનાકર્ષક બાબત એ રહી કે અમદાવાદના ઘણા મુસ્લિમ ક્રિકેટ-ફૅન માથે ટોપી પહેરીને તેમના સંપૂર્ણ પહેરવેશમાં જોવા મળ્યાં. અગાઉની મૅચોમાં આવી રીતે માથે પરંપરાગત ગોળ ટોપી પહેરીને બહુ જ ઓછા, આંગળીના વેઢે ગણી શકીએ એટલા મુસ્લિમ ક્રિકેટ-ચાહકો મૅચ જોવા આવતા હતા. ગઈ કાલની મૅચમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ક્રિકેટ-ચાહકોએ મૅચની મજા માણવા ઊમટી પડ્યા હતા.