ગાદીયુદ્ધ : મોદી પાસે મોબાઇલ ફોન નથી?

01 December, 2012 06:08 AM IST  | 

ગાદીયુદ્ધ : મોદી પાસે મોબાઇલ ફોન નથી?



ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે અમદાવાદની મણિનગર બેઠક માટે ઉમેદવાર ફૉર્મ ભર્યું હતું. આ ફૉર્મ સાથેના ઍફિડેવિટમાં તેમણે પોતાના વિશેની અનેક અજાણી વિગતો આપી હતી. માસ્ટર ઑફ આર્ટ્સ સુધીનો અભ્યાસ કરનાર નરેન્દ્ર મોદી પાસે મોબાઇલ ફોન જ નથી. મોદીએ તેમની પાસે હાથ પર માત્ર રોકડા ૪૭૦૦ રૂપિયા જ હોવાની માહિતી પણ આપી હતી.
મોદીએ રજૂ કરેલા ઍફિડેવિટમાં તેમનો ઘરનો ફોન નંબર અને ઈ-મેઇલ આઇડી દર્શાવ્યા છે, પણ મોબાઇલ નંબર દર્શાવ્યો નથી એટલે એવું મનાઈ રહ્યું છે કે તેમની પાસે પોતાનો મોબાઇલ ફોન  નથી. એટલું જ નહીં, પરંતુ તેમણે ઍફિડેવિટમાં પત્ની વિશેની પણ કોઈ વિગતો દર્શાવી નથી.


મોદીએ પોતાની મિલકતો વિશે આપેલી માહિતી મુજબ તેમની પાસે આશરે ૪૫ ગ્રામની સોનાની ચાર વીંટી છે, જેનું મૂલ્ય આશરે  ૧,૨૩,૭૭૭ રૂપિયા છે. તેમણે આશરે એક કરોડ રૂપિયાની મિલકતો હોવાનું સ્વીકાર્યું છે. 
કાલે ફૉર્મ ભરવા જતાં પહેલા મોદીએ મણિનગરમાં સવારે કાર્યકર્તાઓને સંબોધન કરતાં કહ્યું હતું કે ‘જે (કૉન્ગ્રેસ) પાર્ટીના નેતાઓને કાર્યકર્તાઓથી મ્ાોં છુપાવતા હોય તે ગુજરાતની જનતાનું શું ભલું કરવાના છે? કૉન્ગ્રેસના મિત્રો, જુઠ્ઠાણાંને જોરે ક્યારેય જીત નહીં મેળવી શકો’ તેમ જણાવી  તેમણે વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલા, બીજેપીના અગ્રણી પરિન્દુ ભગત, મિડિયા સેલના સહકન્વીનર ડૉ. હર્ષદ પટેલ અને ગુજરાત પ્રવાસન નિગમના ચૅરમૅન અને મણિનગર બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય કમલેશ પટેલ નરેન્દ્ર મોદી સાથે ફૉર્મ ભરવા આવ્યા હતા. કલેક્ટર કચેરી અને તેની આસપાસમાં હજ્જારોની સંખ્યામાં બીજેપીના કાર્યકરો ઊમટી પડ્યા હતા અને ‘દેખો-દેખો કૌન આયા ગુજરાત કા શેર આયા’ જેવા સૂત્રોચ્ચારથી નરેન્દ્ર મોદીને વધાવી લીધા હતા. નરેન્દ્ર મોદીએ પણ વિક્ટરીની નિશાની બતાવતાં વિજયનો દૃઢ વિશ્વાસ દર્શાવ્યો હતો.

મોદીએ મિસ કર્યું વિજય મુહૂર્ત

નરેન્દ્ર મોદી, ગઈ કાલે ઉમેદવારી પત્રક ભરવા માટે બપોરે ૧૨:૩૯ના વિજયી મુહૂર્ત ચૂકી ગયા હતા. જોકે તેમણે વિજયનો દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


અમદાવાદના મણિનગર બેઠક ઉપરથી ચૂંટણી લડી રહેલા મોદી પાસે તેમણે રજૂ કરેલા ઍફિડેટિવ પ્રમાણે હાથ પર માત્ર ૪૭૦૦ રૂપિયા જ છે. તેમની સામે ડમી ઉમેદવારો સાથે કુલ ૧૪ ઉમેદવારોએ ફૉર્મ ભર્યું છે, જેમાં કૉન્ગ્રેસનાં મહિલા ઉમેદવાર અને સસ્પેન્ડેડ આઇપીએસ અધિકારી સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટ અને ગુજરાત પરિવર્તન પાર્ટીના ઉમેદવાર પ્રવીણ પટેલ સાથે સીધો મુકાબલો થશે.


ગઈ કાલે ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે મણિનગર વિસ્તારમાં કાર્યકર્તાઓને સંબોધીને ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી તેમનું ઉમેદવારી પત્રક ભરવા જિલ્લા કલેક્ટર કચેરીએ બપોરે ૧:૦૪ વાગ્યે આવી પહોંચ્યા હતા અને ભગવાનને નામે સોગંદ લઈને ફૉર્મ ઉપર સહી કરીને ચૂંટણી અધિકારીને સુપરત કર્યું હતું. માત્ર ચાર મિનિટમાં જ ઉમેદવારી પત્રકની કાર્યવાહી પૂરી કરી ફૉર્મમાં સહી કરીને અધિકારીને ફૉર્મ સુપરત કર્યું હતું.


‘મણિનગર વિધાનસભાના બીજેપીના ઉમેદવાર તરીકે સતત ત્રીજી વાર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી વિજયી મુહૂર્ત ૧૨:૩૯ કલાકે કલેક્ટર કચેરીમાં ઉમેદવારી પત્રક ભરશે’  તેવી બીજેપીની સત્તાવાર યાદીમાં કહ્યું હતું ત્યારે ગઈ કાલે નરેન્દ્ર મોદી વિજયી મુહૂર્ત ચૂકી ગયા બાદ ઑફિસમાં ફૉર્મ ભરીને બહાર નીકળી રહેલા નરેન્દ્ર મોદીને એમ પૂછવામાં આવ્યું કે આપ ૧૨:૩૯નું વિજય મુહૂર્ત સાચવી શક્યા નહીં? તેવા પ્રશ્નના ઉત્તરમાં હાસ્ય રેલાવી નરેન્દ્ર મોદીએ કહ્યું કે છાપાવાળા વિજયી મુહૂર્ત બહાર પાડતા હોય છે તેમ જણાવી બહાર નીકળી ગયા હતા.

નૉન રેસિડેન્ટ ગુજરાતીઓની સંખ્યા છે ૬૦ લાખ, પણ વોટ આપવા માત્ર પાંચ લોકો તૈયાર

દુનિયાભરના ૧૨૦ કરતાં વધારે દેશોમાં અંદાજે ૬૦ લાખ જેટલા ગુજરાતીઓ વસે છે, પણ નૉન રેસિડન્ટ ગુજરાતી (એનઆરજી)ઓને પોતાના વતનની ચૂંટણીમાં કોઈ રસ નથી. ગુજરાત ઇલેક્શન પંચના જણાવ્યા પ્રમાણે ૬૦ લાખ એનઆરજીમાંથી માત્ર પાંચ જ ગુજરાતી વિધાનસભાની ચૂંટણીમાં વોટ આપશે. ગુજરાતનાં મુખ્ય ચૂંટણી અધિકારી અનીતા કરવાલે ગઈ કાલે કહ્યું હતું કે કચ્છમાંથી એક અને નવસારીમાંથી ચાર એનઆરજીએ વોટ આપવા માટેનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતીય પાસર્પોટ ધરાવતા વિદેશમાં વસતા કોઈ પણ ગુજરાતી ૬-એ નામનું ફૉર્મ ભરીને વોટ આપવા માટેનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે મતદાન થશે. આ સમયગાળા દરમ્યાન મોટી સંખ્યામાં એનઆરજી વતન આવતા હોય છે. જોકે તેમાંથી માત્ર પાંચ લોકોને વોટ આપવામાં રસ છે.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી, આઇપીએસ = ઇન્ડિન પોલીસ સર્વિસ