ગુજરાતમાં સળંગ ૧૧ વર્ષ શાસન કરવાનો નરેન્દ્ર મોદીનો અનોખો રેકૉર્ડ

08 October, 2012 03:19 AM IST  | 

ગુજરાતમાં સળંગ ૧૧ વર્ષ શાસન કરવાનો નરેન્દ્ર મોદીનો અનોખો રેકૉર્ડ



શૈલેષ નાયક

અમદાવાદ, તા. ૮

ગુજરાતમાં બીજેપીની સરકારમાં સળંગ એક જ મુખ્ય પ્રધાન દ્વારા ૧૧ વર્ષ સુધી શાસન કરવાનો અનોખો રેકૉર્ડ કરનાર ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે તેમના શાસનના ૧૨મા વર્ષનો પ્રારંભ આખો દિવસ કામમાં બિઝી રહીને કર્યો હતો. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માથું ઊંચકીને ગુજરાતીઓ જીવે એવું મેં કામ કર્યું છે.

ગઈ કાલે આખો દિવસ વિવેકાનંદ યુવા વિકાસયાત્રા ગુજરાતમાં તાપી અને ભરૂચ જિલ્લામાં ફરી હતી. તાપીના બાબરાઘાટમાં યોજાયેલી જાહેર સભામાં મહારાષ્ટ્રના બીજેપીની અગ્રણી ગોપીનાથ મુંડે પણ ઉપસ્થિત રહ્યા હતા અને નરેન્દ્ર મોદીને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છા પાઠવી હતી. જાહેર સભાઓને સંબોધતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું ‘બદઇરાદાથી ક્યારેય ખોટું નહીં કરું. ૧૧ વર્ષથી નરેન્દ્ર મોદી પર કોઈ આરોપ નથી લાગ્યો, હું માથું ઊંચું કરીને ઊભો છું અને માથું ઊંચકીને ગુજરાતીઓ જીવે એવું મેં કામ કર્યું છે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘આજે ઠીક ૧૧ વર્ષ પહેલાં ૭-૧૦-૨૦૦૧ના રોજ મુખ્ય પ્રધાન તરીકે  મારી સોગંદવિધિ થઈ હતી.

બીજી સરકાર હોત તો આજે ગાંધીનગરમાં જલસો ચાલતો હોત, પણ આ મુખ્ય પ્રધાન એવા છે કે આનંદ મનાવવાને બદલે આદિવાસી ભાઈઓ વચ્ચે આવ્યો છું. આજે મારો સમય આદિવાસી પટ્ટામાં વિતાવીશ, મારા માટે આનાથી મોટી કોઈ ઉજવણી નથી.’

આ તબક્કે નરેન્દ્ર મોદીએ કેન્દ્ર સરકાર સામે નિશાન તાકતાં આક્ષેપ કરવા સાથે જાહેર સભામાં ઉપસ્થિત નાગરિકોને પ્રfન કરતાં કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના પ્રધાનોએ તમારુંં ક્યાંય ભલું કર્યું ? દિલ્હી સરકારે તમને કંઈ આપ્યું? તમને કંઈ મળ્યું? કૉન્ગ્રેસે મોંઘવારી આપી, ભ્રષ્ટાચાર આપ્યો, આદિવાસીઓની દુર્દશા આપી.’

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ૧૧ વર્ષ પૂરાં કરીને ગઈ કાલે ૧૨મા વર્ષમાં પ્રવેશ કરનાર નરેન્દ્ર મોદીને ગુજરાત બીજેપીના પ્રદેશ પ્રમુખ આર. સી. ફળદુ, બીજેપીના કાર્યકરો અને શુભેચ્છકોએ શુભેચ્છા અને અભિનંદન આપ્યાં હતાં.

આજે વિવેકાનંદ યુવા વિકાસયાત્રા અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં જનસંપર્ક કરશે

૧૧ સપ્ટેમ્બરે બહુચરાજીથી પ્રારંભ થયેલી બીજેપીની વિવેકાનંદ યુવા વિકાસયાત્રા આજે અમદાવાદ, ખેડા અને ગાંધીનગર જિલ્લામાં અને કાલે બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લામાં જનસંપર્ક કરશે. અમદાવાદના નિકોલમાં બપોરે યાત્રાનું સ્વાગત થશે અને સભા યોજાશે એમ બીજેપીના મિડિયા ઇન્ચાર્જ ડૉ. જગદીશ ભાવસારે કહ્યું હતું.

અગિયાર વર્ષના શાસનની પૂર્વસંધ્યાએ નરેન્દ્ર મોદીએ બીજેપીના ધારાસભ્યોને શું મેસેજ કર્યો?

રશ્મિન શાહ

ગ્રેટ પૉલિટિકલ શોમૅન ગણાતા અને માર્કેટિંગ સાથે પોતાની યોજનાઓને લોકો સમક્ષ પ્રદર્શિત કરનારા ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ગુજરાતમાં પોતાના શાસનનાં ૧૧ વર્ષ પૂરાં કર્યા અને બારમા વર્ષમાં પ્રવેશ કર્યો હતો. જોકે આ પ્રવેશને એક સાહજિક પ્રક્રિયા ગણાવતાં નરેન્દ્ર મોદીએ શનિવારે રાતે બીજેપીના તમામ ધારાસભ્યોને મોબાઇલ પર મેસેજ કરીને અભિનંદન આપતાં લખ્યું હતું કે ‘શાસનનાં ૧૧ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણી કરવી હોય તો ઘરે કેક કે મીઠાઈ લઈ આવવાને બદલે બીજેપીને શાસનનાં નવાં પાંચ વર્ષ મળે એ માટે મહેનત કરો. ઉમેદવારી મળશે કે નહીં એની ચિંતા કર્યા વિના પાર્ટીનું કામ કરવા માંડો.’

સામાન્ય રીતે નરેન્દ્ર મોદી ક્યારેય કોઈની સાથે મેસેજથી વાત કરતા નથી. શક્ય હોય ત્યાં સુધી તેઓ ટોચના આઠ-દસ નેતાઓ સિવાય કોઈની સાથે મોબાઇલ પર પણ ડાયરેક્ટ વાત કરતા નથી. મોદીના આવા સ્વભાવથી વાકેફ બીજેપીના ધારાસભ્યો માટે આ મેસેજ એક સુખદ આંચકો હતો. મેસેજમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે ‘આ સરકાર તમારા સૌના સહયોગથી બની છે. સહયોગ વિના ક્યારેય સફળતા મળે નહીં. આ સહયોગ થકી જ આપણે નવી સફળતા મેળવવાની છે. તમારી જીત ગુજરાતની જીત બનશે અને ગુજરાતની જીત સન્માનની જીત હશે.’