કૉન્ગ્રેસ નામના કંસને હું હવે આપીશ જવાબ : મોદી

14 October, 2012 03:11 AM IST  | 

કૉન્ગ્રેસ નામના કંસને હું હવે આપીશ જવાબ : મોદી



સ્વામી વિવેકાનંદ યાત્રામાંથી ફ્રી થયા પછી ગઈ કાલે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારકાધીશનાં દર્શન કરવા દ્વારકા પહોંચ્યા હતા. દ્વારકાધીશનાં દર્શન કર્યા પછી નરેન્દ્ર મોદીએ પહેલું વાક્ય એ સંદર્ભનું કહ્યું હતું કે ‘મારે માટે ઇલેક્શન-કૅમ્પેનની શરૂઆત આજથી થઈ છે. હવે હું કૉન્ગ્રેસ નામના કંસને જવાબ આપીશ.’

દ્વારકા આવ્યા પછી નરેન્દ્ર મોદી ગઈ કાલે ઊના ગયા હતા. ઊનામાં તેમણે કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના જમાઈને બચાવવા આખો પક્ષ મેદાનમાં ઊતરી આવ્યો, પણ દેશને બચાવવા એક પણ નેતા બહાર નથી આવતો. કૉન્ગ્રેસની આ માનસિકતા ફક્ત ગુજરાતમાં જ નહીં, હવે એને કેન્દ્રના ઇલેક્શનમાં પણ નડવાની છે. આ વખતે ગુજરાત વિધાનસભા પૂરી થયા પછી કૉન્ગ્રેસે કાયમ માટે ગુજરાત છોડી દેવું પડશે અને એ વાતમાં મીનમેખ નથી.’

નરેન્દ્ર મોદી સવારે ૧૦ વાગ્યે દ્વારકા પહોંચી ગયા હતા. દ્વારકાને જિલ્લો જાહેર કર્યા પછી આ તેમની પહેલી વિઝિટ હતી. દ્વારકા પહોંચ્યા પછી તેમણે દ્વારકાધીશનાં દર્શન કર્યા અને એ પછી જનસભાને સંબોધી હતી. મોદીએ કહ્યું હતું કે ‘દ્વારકા આવ્યો છું તો તમે કેવા રાજી છો એ જોવા નથી આવ્યો. મારે તો જોવું હતું કે આવતી ૨૬ જાન્યુઆરીએ બનનારા આ જિલ્લામાં હવે કઈ-કઈ જરૂરિયાતો પૂરી કરવાની છે. કૉન્ગ્રેસને આ બધું સૂઝવાનું નથી. જેના સંસદસભ્ય (વિઠ્ઠલ રાદડિયા) હાઇવે પર ઊભા રહીને ગુંડાગર્દી કરે, જેના જમાઈ અબજો રૂપિયાની પ્રૉપર્ટી બનાવે અને જેના વડા પ્રધાન ગરીબનો કોલસો ખાઈ જાય એ પક્ષ બીજાની જરૂરિયાતોને નહીં પણ પોતાની સંકડામણને જ જોતી રહે.’ મોદીએ ચૂંટણીપ્રચારમાં આ પહેલી વખત સોનિયા ગાંધીના જમાઈ રૉબર્ટ વાડ્રાને ટાર્ગેટ બનાવ્યા હતા.