પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

15 June, 2020 12:50 PM IST  |  Mumbai Desk | Agencies

પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

મેઘાની મજબૂત સવારી : ગુજરાતમાં અમદાવાદ સહિત ચોમાસાનું આગમન થઈ ગયું છે અને અમદાવાદમાં તો બે ઇંચથી વધુ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઈ ગયાં હતાં. તસવીર : પી.ટી.આઈ.

કેરળમાં આ વખતે ચોમાસું ૧ જૂનના રોજ સમયસર પહોંચ્યાના બે સપ્તાહમાં મેઘરાજાએ ગુજરાતમાં પણ સમયસર પધરામણી કરી હોય તેમ અમદાવાદ સહિત લગભગ સમગ્ર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ હોવાના દૃશ્યો સર્જાયાં હતાં. સમયસર વરસાદ આવી પહોંચતા જગતના તાત એવા ખેડૂત આલમમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. અમદાવાદ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં વડોદરા-દાહોદ વગેરેમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં તો આજે વહેલી સવારે શહેરમાં વીજળીના કડાકા-ભડાકા સાથે જોરદાર પડેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. સાથે સાથે મધ્ય ગુજરાતમાં આગામી ૪૮ કલાક વરસાદી માહોલ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે સાથે વલસાડ, નવસારી, ડાંગમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. વડોદરા અને સુરતમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડશે.
ભાવનગર, ગીર સોમનાથ, પોરબંદરમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં ૫ દિવસ સુધી વરસાદની આગાહી કરાઈ છે.
રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૭૫ તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ ધંધુકામાં ૪ ઇંચ વરસાદ, ખેડામાં ૨ અને ગઢડામાં ૨ ઇંચ વરસાદ વરસ્યો હતો. દહેગામમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છે. સાબરકાંઠાના તલોદમાં ૨.૪ અને અમદાવાદના સિટી વિસ્તારમાં ૨ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ત્યારબાદ કચ્છ, વલસાડ, સુરત, આણંદ, અરવલ્લી, છોટા ઉદેપુર, મહેસાણા સહિતમાં અડધાથી એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં આજે રવિવારે પરોઢિયે અમદાવાદીઓ ઘસઘસાટ ઊંઘી રહ્યા હતા ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. જોરદાર પવન ફૂંકાયા બાદ આકાશમાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસી રહ્યો હતો. અમદાવાદ શહેરમાં સવારે ૪થી ૫ વાગ્યા સુધીમાં એક કલાકમાં જ બે ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. પાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનને માત્ર ૨.૫ ઇંચ પડેલા વરસાદે ભૂવાભેગો કરી નાખ્યો હતો. શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાયાં અને રીતસરનાં પાણીનાં તળાવો બની ગયાં છે.
ગાંધીનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ગાંધીનગર જિલ્લામાં વહેલી સવારે વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ગાંધીનગરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયાં હતાં. કલોલ, ભાટ ગામ અને દહેગામમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.
ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં મોડી રાતે સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં. તલોદમાં અઢી ઇંચ, હિંમતનગર, વડાલી, ઈડર, પ્રાંતિજમાં એક-એક ઇંચ વરસાદ નોંધાયો હતો.

national news mumbai weather