70 વર્ષમાં નથી આવી એટલી ગ્રાંટ 5 વર્ષમાં આવીઃ મોહન કુંડારિયા

17 April, 2019 04:54 PM IST  |  રાજકોટ | ફાલ્ગુની લાખાણી

70 વર્ષમાં નથી આવી એટલી ગ્રાંટ 5 વર્ષમાં આવીઃ મોહન કુંડારિયા

રાજકોટથી લોકસભાના ઉમેદવાર છે કુંડારિયા

23 એપ્રિલે ગુજરાતમાં મતદાન થવા જઈ રહ્યું છે. તમામ પક્ષો પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે. ત્યારે જાણો શું કહી રહ્યા છે રાજકોટથી ભાજપના ઉમેદવાર અને વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયા.

જાણો મોહન કુંડારિયાને..
મોહનભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છે. 1983માં તેમને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જે બાદ તેઓ ટંકારા વિધાનસભા બેઠકથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુક્યા છે

"ટર્મમાં કર્યા અનેક કામ, રાજકોટને અપાવી AIIMS"
મોહનભાઈએ પોતાની સાંસદ તરીકેના કામોને મૂલવતા કહ્યું કે તેમના કાર્યકાળમાં રાજકોટ માટે અનેક કામો થયા અને તેમાં સૌથી મોટું કામ છે AIIMSના નિર્માણનું. રાજકોટ, કચ્છ, સૌરાષ્ટ્રના દર્દીઓને સારવાર માટે અમદાવાદ સુધી લાંબુ ન થવું પડે એટલે એઈમ્સ બની રહી છે. સાથે જ રાજકોટને અત્યાધુનિક એરપોર્ટ મળવા જઈ રહ્યું છે. ટ્રેનના પ્રશ્નો પણ ઉકેલ્યા છે. અમારી સરકારે ગરીબો, ખેડૂતોના કલ્યાણ માટે અનેક કામો કર્યા છે, 70 વર્ષમાં નથી મળી એટલી ગ્રાંટ રાજકોટને આ પાંચ વર્ષમાં મળી છે.

"વિપક્ષ પાસે નથી કોઈ મુદ્દો"
ભાજપ પર વિપક્ષ જે રીતે પ્રહાર કરે છે તેને મોહનભાઈએ ફટાણા સાથે સરખાવ્યા અને કહ્યુ કે વિપક્ષ પાસે કોઈ મુદ્દો નથી. એટલે ખોટા મુદ્દા ઉછાળી નરેન્દ્ર ભાઈને બદનામ કરે છે.

"26 બેઠકો મળશે જ, વિધાનસભા ચૂંટણીની નહીં પડે અસર"
મોહનભાઈએ ફરી એક વાર ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખિલશે તેવી આશા વ્યક્ત કરી છે. વિધાનસભા ચૂંટણી પર પાટીદાર આંદોલનની અસર થઈ હોવાનું સ્વીકારતા મોહનભાઈ કહ્યું કે, "એ સમયે પાટીદાર અનામત આંદોલનની અસર હતી. પરંતુ હવે એવું નથી. વિધાનસભા ચૂંટણી સમયે લોકોએ રોષના માર્યા મત આપ્યા હતા પરંતુ આ વખતે તેઓ નરેન્દ્ર મોદીને જ મત આપશે."

"અમે તો પહેલા જ કહ્યું હતું કે હાર્દિક કોંગ્રેસનો હાથો છે"
પાટીદાર નેતા હાર્દિક પટેલના કોંગ્રેસ ગમન પર જવાબ આપાત મોહનભાઈએ કહ્યું કે,"અમે તો પહેલાથી કહેતા હતા કે હાર્દિક કોંગ્રેસનો હાથો છે અને હવે તો તે પક્ષમાં જોડાઈ પણ ગયો છે. એને તો ચૂંટણી પણ લડવી હતી. પરંતુ હવે લોકો તેને ઓળખી ગયા છે. લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે." સાથે અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણી પર તેમણે કહ્યું કે આ લોકોએ સમાજનો ઉપયોગ કર્યો છે. આવા લોકોથી ભાજપને કોઈ ફેર નથી પડતો.

"ભાજપે ખેડૂતો માટે કર્યા કામ"
ખેડૂતોની સમસ્યા અને તેના ઉકેલ પર વાત કરતા કુંડારિયાએ કહ્યું કે, "ખેડૂતો માટે નરેન્દ્ર મોદી સરકારે ઘણું કામ કર્યું છે. તેમને વીમાના પૈસા મળી રહ્યા છે. ટેકાના ભાવે પાકની ખરીદી થઈ રહી છે. નરેન્દ્રભાઈ ખેડૂતોને ખેડ કરવા માટે પણ 6,000 રૂપિયા આપી રહ્યા છે. વિજયભાઈએ પણ અછતગ્રસ્ત વિસ્તારોમાં ખેડૂતોને સહાય કરી છે. સૌની યોજનાથી અમે બધે પાણી પહોંચાડ્યું છે. અમે તમામ વર્ગના લોકો માટે કામ કર્યું છે."

આ પણ વાંચોઃ બેઠક બોલે છેઃ જાણો રાજકોટ લોકસભા બેઠકને

"વિકાસના મુદ્દા પર લડીશ ચૂંટણી"
ચૂંટણીમાં મુદ્દાની વાત કરતા મોહનભાઈએ કહ્યું કે તેઓ વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે. પાંચ વર્ષમાં જે કામ તેમણે કર્યા છે, તે લોકોએ જોયા છે અને તેના આધારે તેઓ લોકો તેમને વધુ એક મોકો આપશે.

rajkot Loksabha 2019 Gujarat BJP