ગુજરાત રમખાણ કેસ : વડા પ્રધાન બનવાના ખેલમાં હિન્દુઓને મોકલ્યા જેલમાં

31 August, 2012 10:34 AM IST  | 

ગુજરાત રમખાણ કેસ : વડા પ્રધાન બનવાના ખેલમાં હિન્દુઓને મોકલ્યા જેલમાં

 

 

અમદાવાદ: ગોધરાકાંડ બાદ ગુજરાતમાં થયેલાં કોમી રમખાણોમાં અમદાવાદના નરોડા પાટિયા ખાતે ૯૭ વ્યક્તિઓની ઘાતકી હત્યા કરવાના ચકચારભર્યા કેસમાં દોષિત ઠરેલા બજરંગ દળના નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા, બીજેપી સરકારનાં ભૂતપૂર્વ બાળકલ્યાણપ્રધાન અને નરોડાનાં ધારાસભ્ય ડૉક્ટર માયા કોડનાણીને બે કેસમાં થઈને કુલ ૨૮ વર્ષની સજા ફરમાવતો ચુકાદો સ્પેશ્યલ ર્કોટનાં સ્પેશ્યલ જજ ડૉક્ટર જ્યોત્સ્નાબહેન યાજ્ઞિકે ગઈ કાલે આપ્યો હતો. ર્કોટે આ કેસમાં અન્ય સાત આરોપીઓને ૨૧ વર્ષની સજા તેમ જ અન્ય ગુના માટે બીજાં ૧૦ વર્ષની સજા અને ૨૨ આરોપીઓને ૧૪ વર્ષની સજા ફરમાવી છે.
સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અખિલ દેસાઈએ કહ્યું હતું કે ‘બાબુ બજરંગીને ર્કોટે રેસ્ટ ઑફ ધ લાઇફની સજા કરી છે જ્યારે માયા કોડનાણીને મર્ડર માટે ૧૮ વર્ષની તેમ જ બીજા અન્ય ગુના માટે ૧૦ વર્ષની સજા સાથે કુલ ૨૮ વર્ષની સજા કરી છે. સાત આરોપીઓ નરેશ છારા, મોરલી સિંધી, હરેશ ઉર્ફે હરિયા જીવણલાલ, સુરેશ ઉર્ફે રિચર્ડ ઉર્ફે સુરેશ લંગડા, પ્રેમચંદ ઉર્ફે તિવારી કન્ડક્ટર, મનોજભાઈ ઉર્ફે મનોજ સિંધી અને બિપિન પંચાલને ખૂનના ગુના માટે ૨૧ વર્ષની સજા તેમ જ અન્ય ગુનાઓ માટે બીજા ૧૦ વર્ષની સજા સાથે કુલ ૩૧ વર્ષની સજા ર્કોટે કરી છે; જ્યારે બાકીના ૨૨ આરોપીઓને ૧૪ વર્ષની સજા કરી છે. અન્ય એક તહોમતદાર સુરેશ ઉર્ફે શહજાદ દાનુભાઈ નેતલકર જે નાસતો ફરે છે તેની સજા સંભળાવવાની બાકી રાખી છે. ત્રીજી સપ્ટેમ્બરે તેની સજા જાહેર થશે.’

મૃત્યદંડને પાત્ર છે દોષીઓનું કૃત્ય

ર્કોટે ચુકાદામાં નરોડા હત્યાકાંડને મૃત્યુદંડની સજાને પાત્ર ગુનો ગણાવતાં કહ્યું હતું કે આરોપીઓએ ૧૦ વર્ષ જીવન અને મૃત્યુ વચ્ચે ભોગ બનેલા અસરગ્રસ્તો જેવી જ યાતના ભોગવી છે. ર્કોટે ચુકાદામાં જણાવ્યું હતું કે આ કેસમાં ડૉક્ટર માયા કોડનાણી રાજકીય પક્ષના અગ્રણી પદાધિકારી હતાં, તેમની જવાબદારી બનતી હતી. તેમણે સજાના મુદ્દે પોતાના બચાવમાં ‘મને રાજકીય રીતે ફસાવવામાં આવી છે’ એવું ટ્રાયલ દરમ્યાન ક્યારેય કહ્યું નથી એ સંજોગોમાં વાત ધ્યાનમાં લઈ શકાય નહીં. ર્કોટે તેમની ભૂમિકા અને તેમની બનાવના સ્થળે હાજરી જોતાં કાવતરાના ગુના બદલ તેમને જવાબદાર ઠરાવ્યાં હતાં.

ફરતા થયા SMS

નરોડા હત્યાકાંડના દોષીઓને સજા જાહેર થયા બાદ ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીવિરોધી SMS ફરતા થયા હતા. બપોર બાદ ર્કોટે સજા જાહેર કરી એ સમય દરમ્યાન ‘પીએમ બનવાના ખેલમાં હિન્દુઓને મોકલ્યા જેલમાં, નરેન્દ્ર મોદી મહાલે છે મહેલમાં’ આ પ્રકારના લખાણ સાથે SMS ફરતા થયા હતા. આ SMS એકબીજાના મોબાઇલમાં ફૉર્વર્ડ થતા રહ્યા હતા.
SMS = શૉર્ટ મેસેજિંગ સર્વિસ

મોદીવિરોધી નારાબાજી

ર્કોટે સજા જાહેર કરી એ દરમ્યાન ર્કોટ-સંકુલમાં ઉપસ્થિત દોષીઓના પરિવારજનોએ ગુજરાતની મોદીસરકાર સામે ભારે આક્રોશ ઠાલવતાં બીજેપી, વિશ્વ હિન્દુ પરિષદ તેમ જ બજરંગ દળના કાર્યકરો તેમ જ પોલીસ ચોંકી ઊઠી હતી. આર્યની વાત એ હતી કે દોષીઓના પરિવારજનોએ ‘હાય રે મોદી હાય-હાય’, ‘હાય રે બીજેપી સરકાર હાય-હાય’ના સૂત્રોચ્ચાર કરવાની સાથે ‘હાય રે તીસ્તા હાય-હાય’ના પણ સૂત્રોચ્ચાર કરીને ર્કોટ-સંકુલને ગજવી દીધું હતું. આ નારાબાજીમાં મહિલાઓની સાથે પુરુષો પણ જોડાયા હતા અને હિન્દુઓના તારણહાર ક્યાં ગયા? એવા પ્રશ્નાર્થ સાથે સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. પોલીસ સાથે મહિલાઓને ઘર્ષણ થયું હતું. ભાંગી પડેલી એક મહિલા ‘કિસીકા ક્યા ગયા, મેરા ઘરવાલા સડ રહા હૈ’ એમ
કહી તેનો વલોપાત ઠાલવી
રહી હતી.