મનમોહન સિંહ પણ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર

29 November, 2012 06:13 AM IST  | 

મનમોહન સિંહ પણ કરશે ગુજરાતમાં ચૂંટણી પ્રચાર

આ વિધાનસભાના ઇલેક્શનના પ્રચારની શરૂઆત કૉન્ગ્રેસનાં ચૅરર્પેસન સોનિયા ગાંધીની જાહેર સભા સાથે ત્રીજી ઑક્ટોબરે રાજકોટમાંથી કરવામાં આવી હતી તો વિધાસનભાના પ્રથમ તબક્કાનો અંત કૉન્ગ્રેસ દેશના વડા પ્રધાન મનમોહન સિંહની જાહેર સભાથી કરવા માગી રહ્યું છે. કૉન્ગ્રેસના એક સિનિયર નેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી જે રીતે કેન્દ્ર પર આક્ષેપબાજી કરી રહ્યા છે એ જોઈને અમને વડા પ્રધાનને લઈ આવવા જરૂરી લાગ્યા છે. વડા પ્રધાનની જાહેર સભાથી મોદીના ખોટા આક્ષેપોનો જવાબ પણ મળશે અને ગુજરાતની જનતાને ફલિત થશે કે કેન્દ્ર માટે ગુજરાત એક મહત્વનું સ્ટેટ છે.’

મનમોહન સિંહની જાહેર સભા દસમી ડિસેમ્બરના દિવસે ગોઠવાય એવી સંભાવના છે. આ સભા માટે રાજકોટ અને સુરત એમ બે શહેર વિશે વિચારણા ચાલી રહી છે. સોનિયા ગાંધીએ રાજકોટમાં જાહેર સભા કરી હોવાથી શક્ય છે કે મનમોહન સિંહ દક્ષિણ ગુજરાતમાં જાહેર સભા કરે અને ગુજરાતના એ બેલ્ટને સ્ટ્રૉન્ગ કરવાનો પ્રયાસ કરે.

ગુજરાત વિધાનસભા માટે બીજેપીના પ્રેસિડન્ટ નીતિન ગડકરી, શત્રુઘ્ન સિંહા અને હેમા માલિની કચ્છમાં જાહેર સભા કરશે. નીતિન ગડકરીની જાહેર સભા પહેલી ડિસેમ્બરે ગાંધીધામમાં રાખવામાં આવી છે, જ્યારે ચોથી ડિસેમ્બરે આવતા શત્રુઘ્ન સિંહા અને પાંચમી ડિસેમ્બરે કચ્છ આવતાં હેમા માલિનીની જાહેર સભાનાં સ્થળ હવે પછી નક્કી કરવામાં આવશે.