કચ્છના માધાપરમાં મોરારીબાપુની કથામાં પાઇપલાઇનથી પીરસાઈ રહ્યો છે રોજનો બારથી ૧૫ ટન શેરડીનો તાજો રસ

28 March, 2026 08:22 AM IST  |  Madhapar | Gujarati Mid-day Correspondent

શેરડીના રસને મોટર દ્વારા ટાંકીમાં ઊંચે ચડાવાય છે અને ત્યાંથી ૧૦૦ ફુટની પાઇપલાઇનમાં વહેવડાવી ૫૦ જેટલા નળ દ્વારા ગ્લાસમાં ભરીને અપાય છે: રોજ પિવાઈ રહ્યો છે ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ ગ્લાસ રસ : ૨૦૦ કિલો લીંબુ, ૫૦ કિલો આદું નાખીને બનાવાય છે

કથા-મંડપ પાસે બનાવેલાં કાઉન્ટરો પરથી નળમાંથી શેરડીનો રસ કાઢીને શ્રોતાઓને આપવામાં આવે છે

કચ્છના માધાપર ગામે કથાકાર મોરારીબાપુની કથા ચાલી રહી છે. ઉનાળાની આ મોસમમાં કથાનું શ્રવણ કરવા આવી રહેલા હજારો શ્રોતાઓને રોજ અંદાજે બારથી ૧૫ ટન શેરડીનો તાજો અને ઠંડો રસ પીરસાઈ રહ્યો છે. શેરડીનો રસ શ્રોતાઓને આપવા માટે ૧૦૦ ફુટની પાઇપલાઇન નાખવામાં આવી છે અને એમાં ૫૦ જેટલા નળ જોડીને નળમાંથી રોજ હજારો ગ્લાસ ભરીને શ્રોતાઓને શેરડીનો તાજો રસ પીરસવામાં આવી રહ્યો છે.

માધાપર ગામના ભૂતપૂર્વ સરપંચ અને કથામાં સેવા આપી રહેલા અરજણ ભુડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉનાળાને કારણે કથા સાંભળવા આવતા હજારો લોકોને ઠંડક મળે એ માટે શેરડીનો તાજો રસ કાઢીને આપવામાં આવી રહ્યો છે. માધાપર અને આસપાસમાંથી શેરડી લાવવામાં આવે છે. રોજ બારથી ૧૫ ટન જેટલી શેરડીને બે મશીનમાં પીલવામાં આવે છે. રસને મોટા તપેલામાં ગાળીને કાઢવામાં આવે છે. રસની સાથે રોજ ૨૦૦ કિલો લીંબુ, ૫૦ કિલો આદું તેમ જ બે ટન જેટલા બરફનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસને ગાળી લીધા બાદ એને મોટર દ્વારા ટ્રૅક્ટરની ટ્રૉલીમાં ઊંચે મૂકવામાં આવેલી ટાંકીમાં પહોંચાડવામાં આવે છે. ટાંકી સાથે અંદાજે ૧૦૦ ફુટ લાંબી પાઇપલાઇન જોડવામાં આવી છે. આ પાઇપલાઇનમાં રસ નાખીને કાઉન્ટર સુધી લઈ જવાય છે. કાઉન્ટર પરની પાઇપલાઇનમાં ૫૦ જેટલા નળ જોડવામાં આવ્યા છે. એમાંથી શેરડીનો રસ ગ્લાસમાં ભરીને શ્રોતાઓને આપવામાં આવે છે. મહિલાઓ અને પુરુષો માટે અલગ લાઇન છે. ગામનાં સેવાભાવી ભાઈઓ-બહેનો તેમ જ મંડળના સભ્યો નળમાંથી રસ કાઢીને ગ્લાસમાં ભરીને લોકોને આપે છે. રોજ અંદાજે ૫૫,૦૦૦થી ૬૦,૦૦૦ જેટલા ગ્લાસ ભરીને રસ બને છે અને કથા સાંભળવા આવેલા સૌને શેરડીનો રસ આપવામાં આવી રહ્યો છે. શેરડીના કૂચાને આસપાસમાં આવેલા ઢોરવાડામાં આપવામાં આવે છે.’    

bhuj kutch Morari Bapu gujarat gujarat news