ઉત્તરાયણ : પતંગ-દોરીની છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં ભીડ

12 January, 2019 03:04 PM IST  | 

ઉત્તરાયણ : પતંગ-દોરીની છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં ભીડ

દોરી-પતંગની ખરીદ-વેંચ પૂરજોશમાં ચાલુ

ઉત્તરાયણના પર્વને લઇને પતંગ રસિયાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. તેમજ રવિવાર અને સોમવાર બે દિવસની રજા મળનાર હોવાથી આ વખતે ઉત્તરાયણ માટે પતંગ અને દોરીની મોટાપાયે ખરીદી કરવામાં આવી રહી છે. જો કે મોટાભાગનાં સરકારી કર્મચારીઓ માદરે વતનમાં ઉત્તરાયણ મનાવવા માટે આજે સાંજથી જ રવાના થઇ ગયા છે. સોમવારે વહેલી સવારથી જ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જશે અને તે સાથે રસિયાઓ ઉંધીયુ અને જલેબી તેમજ તલસાંકળીનો જયાફત ઉડાવશે. રાજ્યભરના પતંગબજારો ભીડથી છલકાઈ રહ્યા છે. છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગરસિયાઓ માર્કેટમાં ઉમટી પડ્યા છે.

ઉતરાયણના તહેવારે પતંગ-દોરીની દુકાનોમાં ભારે ભીડ

ઉત્તરાયણ આડે હવે માત્ર આવતીકાલનો એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે પતંગ રસિયાઓ ઉત્તરાયણની આખરી તૈયારીમાં વ્યસ્ત થઇ ગયા છે અને બજારમાંથી પતંગ દોરીની ખરીદી તેમજ માંજો પીવડાવવાની તૈયારી જોરશોરથી કરી રહ્યા છે. સોમવારે વહેલી સવારથી જ પતંગ રસિયાઓ ધાબા, અગાશી અને છત ઉપર ચઢી જશે અને પતંગો ઉડાડવાનું શરૂ કરશે. જોકે આ વખતે ઉત્તરાયણના દિવસે ઠંડીમાં થોડો ઘટાડો રહેશે. જેના કારણે પતંગ રસિયાઓને મજા પડશે. સોમવારે સવારથી જ એ કાપ્યો છે કાપ્યો છે જેવી બુમોથી આકાશ ગુંજી ઉઠશે. લોકોમાં ઉત્તરાયણને લઇને એક અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે ઉત્તરાયણના દિવસો ઉંધીયા અને જલેબીથી વંચિત ન રહે તે માટે ઉંધીયા જલેબીના શોખીનો દ્વારા દુકાનો પર ઉંધિયા જલેબીનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચો : વિજય રૂપાણીએ પતંગ ચગાવ્યા પછી પત્ની માટે ફીરકી પકડી

બજારમાં પતંગ અને દોરીની જોરશોરથી ખરીદી ચાલી રહી છે અને હજી આવતી કાલે રાત્રિના ૧૨ વાગ્યા સુધી પતંગ દોરીની ખરીદી ચાલુ રહેશે. પતંગ-દોરીની સાથે સાથે લોકો અવનવી ટોપીઓ, ચશ્મા અને હાથની આંગળીઓમાં દોરીથી ઇજા ન થાય તે માટે મેડીકલ પટ્ટીની ખરીદી કરી રહ્યાં છે. બજારમાં પીપુડા વેચવાવાળા પણ આવી ગયાં છે અને સોમવારે અવનવા પીપુડાઓથી લોકો આકાશને ગુંજવી મુકશે. આ માટે યુવાનો દ્વારા આખરી તૈયારીઓ કરી લેવામાં આવી છે અને કયા મિત્રના ધાબે પતંગો ઉડાડવી તેનું અત્યારથી જ આયોજન થઇ ચુકયું છે.

kites makar sankranti