ટોચની બન્ને પાર્ટીના પ્રમુખ ચૂંટણી હાર્યા

20 December, 2012 09:44 AM IST  | 

ટોચની બન્ને પાર્ટીના પ્રમુખ ચૂંટણી હાર્યા




શિવાજી મહારાજના જીવનચરિત્રથી વાકેફ હોય એવા સૌ ‘ગઢ આલા પણ સિંહ ગેલા’ ઉક્તિથી વાકેફ છે. ગઈ કાલે આવેલાં વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ગુજરાત વિધાનસભાના ઇલેક્શનમાં બીજેપીએ પાર્ટીની દૃષ્ટિએ દેખાવ તો સુંદર કર્યો છે, પણ પાર્ટીના પ્રેસિડન્ટ આર. સી. ફળદુ જામનગર (ગ્રામ્ય) બેઠક પરથી હારી ગયા છે. ગુજરાત કૉન્ગ્રેસે ગઈ ટમ જેવો જ નબળો દેખાવ કરવા ઉપરાંત પાર્ટીપ્રમુખ અજુર્ન મોઢવાડિયાની સલામત ગણાતી બેઠક પણ ગુમાવવી પડી છે. ગુજરાતના ઇલેક્શનની સૌથી મોટી એવી ત્રણ પાર્ટી બીજેપી, કૉન્ગ્રેસ અને જીપીપીના ત્રણેય પ્રેસિડન્ટ સૌરાષ્ટ્રમાંથી ઇલેક્શન લડતા હતા. આ ત્રણમાંથી એકમાત્ર કેશુભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી જીતી શક્યા છે. જોકે જીતનારા જીપીપીના આ અધ્યક્ષની પાર્ટીનો દેખાવ ગુજરાતમાં સૌથી કંગાળ રહ્યો છે.

કૉન્ગ્રેસને ઝાટકો

ગુજરાત કૉન્ગ્રેસના પ્રેસિડન્ટ અજુર્ન મોઢવાડિયા બીજેપીના ઉમેદવાર બાબુભાઈ બોખીરિયા સામે ૧૭,૪૦૬ મતે હાર્યા છે. હાર્યા પછી અજુર્નભાઈએ દસ જ મિનિટમાં પોતાના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું અને લોકચુકાદો માથે ચડાવી લીધો હતો. અજુર્નભાઈએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે કૉન્ગ્રેસ રૂરલ વિસ્તારોમાં ધ્યાન આપવા જતાં શહેરના મતદારોને પોતાનો મૅનિફેસ્ટો સમજાવી નથી શકી અને એને કારણે અમારે આ હાર સહન કરવી પડી છે. મારી હાર માટે એક જ કારણ હોઈ શકે કે હું પાર્ટીના કામ માટે પોરબંદરમાં વધુ સમય ફાળવી શક્યો નથી જે મને નડ્યું હોય શકે છે.’

પક્ષપ્રમુખને હરાવનારા બાબુભાઈ બોખીરિયા કેશુભાઈ પટેલની સરકારમાં ખાણ-ખનિજ વિભાગના પ્રધાન રહી ચૂક્યા છે. શક્ય છે કે આ વખતે તેમની આ જીત માટે નરેન્દ્ર મોદી તેમને પ્રધાનમંડળમાં સામેલ કરે.

બીજેપીને ધ્રાસકો

ગુજરાતમાં હવે જેની સરકાર બનવાની છે એ બીજેપીના ગુજરાત પ્રમુખ આર. સી. ફળદુ જામનગર (ગ્રામ્ય)ની બેઠક પરથી કૉન્ગ્રેસના ઉમેદવાર રાઘવજી પટેલ સામે ૩૩૦૪ મતથી હાર્યા છે. રાઘવજી પટેલ પહેલાં બીજેપી સાથે હતા અને કેશુભાઈ પટેલ સામે વિરોધ થતાં તેમણે શંકરસિંહ વાઘેલાને સાથ આપીને બળવો કર્યો હતો. રાઘવજી પટેલને એક દશકા પછી ફરીથી વિધાનસભામાં જવા મળ્યું છે. આર. સી. ફળદુએ પોતાની હાર પછી બીજેપીની ઑફિસે રાજીનામું મોકલાવ્યું હતું, પણ તેમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. ફળદુને આજે ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. આજે નરેન્દ્ર મોદી સાથે મીટિંગ થયા પછી આગળની યોજના સ્પષ્ટ કરવામાં આવશે. જોકે આર. સી. ફળદુએ નક્કી કર્યું છે કે તે હવે કોઈ હોદ્દો લીધા વિના સંગઠનનું કામ કરશે. આર. સી. ફળદુએ કહ્યું હતું કે ‘પાર્ટીએ સારો દેખાવ કર્યો છે એ મારા માટે સૌથી આનંદની વાત છે. જો પાર્ટીનો દેખાવ નબળો હોત તો મારા અંગત દેખાવની કોઈ અસર ન રહી હોત. પાર્ટી જીતી છે એટલે મને દુ:ખ પણ નથી. મારા ઘરે કાલે રાત્રે એટલે જ લાપસી બનાવી હતી.’

આર. સી. ફળદુ જો હાર્યા ન હોત તો તેમને ચોક્કસપણે દિલ્હી બીજેપીની કોર કમિટીમાં સ્થાન મળ્યું હોત; પણ અફસોસ, હવે એવું નહીં થાય. જો પાર્ટી નવો પક્ષપ્રમુખ શોધશે તો વિજય રૂપાણીને પ્રમુખ બનાવે એવી શક્યતા પણ છે.

જીપીપીના એકલવીર

જીપીપીના પ્રમુખ કેશુભાઈ પટેલ જૂનાગઢ જિલ્લાની વિસાવદર બેઠક પરથી બીજેપીના ઉમેદવાર કનુભાઈ ભાલાળા સામે ૪૨,૧૮૬ મતથી જીતી ગયા છે. કેશુભાઈ પટેલ માટે દુ:ખની વાત એ છે કે તેઓ જે પરિવર્તનની અપેક્ષા રાખતા હતા એ પરિવર્તન નહીં પણ બીજેપીનું પુનરાવર્તન થયું છે. ગઈ કાલે ગાંધીનગરથી કેશુભાઈ પટેલે ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘લોકચુકાદો માથે ચડાવવામાં મને કોઈ નાનપ નથી. લોકો સુધી પરિવર્તનની વાત અસરકારક રીતે ન પહોંચી પણ ગુજરાત સરકારના જે કોઈ પ્રધાનો હાર્યા છે એ પ્રધાનો જીપીપીના ઝુંબેશની અસરને કારણે હાર્યા છે.’

ઑગસ્ટ મહિનાથી અસ્તિત્વમાં આવેલી જીપીપીએ આ ઇલેક્શનમાં ગુજરાતની ૧૮૨ બેઠકમાંથી ૧૭૯ બેઠક પર ઉમેદવાર મૂક્યા હતા, પણ કેશુભાઈ પટેલ અને અમરેલી જિલ્લાની ધારી બેઠકના ઉમેદવાર નલિન કોટડિયા પોતાના નજીકના પ્રતિસ્પર્ધી કૉન્ગ્રેસના ઉમેદવારથી ૧૫૭૫ મતે જીત્યા છે. જીપીપીને આ ઇલેક્શનમાં ફક્ત બે જ બેઠક મળી છે.