જાદુગરીના બાદશાહ કે. લાલની તબિયત ગંભીર

21 September, 2012 02:20 AM IST  | 

જાદુગરીના બાદશાહ કે. લાલની તબિયત ગંભીર



લિવિંગ લેજન્ડ મહાન જાદુગર કે. લાલ એટલે કે કાન્તિલાલ વોરાની તબિયત છેલ્લા એક અઠવાડિયાથી નાદુરસ્ત હતી જે છેલ્લા ૪૮ કલાક દરમ્યાન કથળતાં ગઈ કાલથી તેમની તબિયત ગંભીર છે. અમદાવાદની સાલ હૉસ્પિટલમાં ટ્રીટમેન્ટ લઈ રહેલા કે. લાલને કૅન્સરની સારવાર માટે કેમોથેરપી આપવામાં આવી રહી હતી, પણ કૅન્સર શરીરમાં મહદંશે પ્રસરી ગયું હોવાથી આ સારવાર કારગત નથી નીવડતી. કે. લાલના દીકરા હર્ષદભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અત્યારે લાલસાહેબને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. કેમોથેરપીને કારણે તેમની કિડની પર ગંભીર અસર થઈ છે. તેમને ડાયાલિસિસ પર ખસેડવામાં આવ્યા છે. ટ્રીટમેન્ટ ચાલી રહી છે, પણ દવાની સાથે દુઆની પણ એટલી જ આવશ્યકતા છે.’

૮૮ વર્ષના કે. લાલે પોતાની મૅજિકની કરીઅર દરમ્યાન લગભગ ૨૮,૦૦૦થી વધુ જાદુના શો કર્યા છે. ૨૦૧૧માં તેમણે મુંબઈમાં ૧૪૦ શો કર્યા હતા. ગયા મહિને કે. લાલે નક્કી કર્યું હતું કે હવે હું ઉત્તર પ્રદેશના શોથી નિવૃત્તિ જાહેર કરી દઈશ. ઉત્તર પ્રદેશમાં તેમના શો દિવાળી પછી શરૂ થવાના હતા. જોકે એ શો શરૂ થાય એ પહેલાં જ તેમને કૅન્સરનું નિદાન થતાં સારવાર શરૂ કરવામાં આવી છે. આ સારવાર માટે તેમને ૧૧ સપ્ટેમ્બરથી સાલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આઇસીયુ = ઇન્ટેન્સિવ કૅર યુનિટ