લોકાયુક્ત કેસમાં ટાઇ?

11 October, 2011 09:20 PM IST  | 

લોકાયુક્ત કેસમાં ટાઇ?



અમદાવાદ: લાંબા સમયથી ગુજરાતમાં લોકાયુક્તની જગ્યા ખાલી છે ત્યારે ગુજરાતનાં ગવર્નરે લોકાયુક્ત નીમ્યા એમાં કંઈ ખોટું નથી, એમ ગુજરાત હાઈ ર્કોટના ન્યાયમૂર્તિ અકિલ કુરેશીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં કહ્યું હતું. જોકે હાઈ ર્કોટની ખંડપીઠનાં અન્ય ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં એમ ટાંક્યું હતું કે મારા સાથી ન્યાયમૂર્તિના મહત્વના મુદ્દા સાથે હું સહમત નથી.

ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલાજી દ્વારા ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની નિમણૂક કરવાના નિર્ણયને પડકારતી ગુજરાત સરકાર દ્વારા  ગુજરાત હાઈ ર્કોટમાં રિટ અરજી કરવામાં આવી હતી. ન્યાયમૂર્તિ અકિલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીની ખંડપીઠ સમક્ષ આ કેસની સુનવણી હાથ ધરાઈ હતી. પક્ષકારોની રજૂઆતો પૂરી થઈ ગયા બાદ ગઈ કાલે ન્યાયમૂર્તિ અકિલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવાનું શરૂ કર્યું હતું, જેમાં ન્યાયમૂર્તિ અકિલ કુરેશીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં એમ ટાંક્યું હતું કે ચીફ જસ્ટિસનો અભિપ્રાય આખરી ગણાય અને ચીફ જસ્ટિસે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની ભલામણ કરી એ સરકાર સ્વીકારવા બંધાયેલી હતી અને એ પ્રાથમિકતા કહેવાય. ગુજરાતમાં લાંબા સમયથી લોકાયુક્તની જગ્યા ખાલી છે ત્યારે ગવર્નરે લોકાયુક્ત નીમ્યા હોય એમાં કંઈ ખોટું નથી. લોકાયુક્ત જેવી જગ્યા ખાલી રહી છે માટે રાજ્યપાલે નિમણૂક કરી એ યથાયોગ્ય છે.

બીજી તરફ ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં એમ ટાંક્યું હતું કે મારા સાથી ન્યાયમૂર્તિના મહત્વના મુદ્દા સાથે હું સહમત નથી. અમુક મુદ્દા સાથે સહમત છું, પણ અમુક કારણો સાથે મારી અસંમતિ છે. જોકે ર્કોટ કાર્યવાહીનો સમય પૂરો થતાં આવતી કાલે  ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણી તેમનો ચુકાદો ઓપન ર્કોટમાં લખાવશે.

...તો આ મૅટર ત્રીજા ન્યાયમૂર્તિને સોંપાશે

અમદાવાદ: ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકને મુદ્દે ચાલી રહેલા કેસમાં ગુજરાત હાઈ ર્કોટમાં ન્યાયમૂર્તિની ખંડપીઠ વચ્ચે આખરી નિર્ણય બાબતે સહમતી ના સધાય તો આ કેસ ચીફ જસ્ટિસને રિફર થશે અને ચીફ જસ્ટિસ આ કેસ ત્રીજા ન્યાયમૂર્તિને સોંપશે તેમ ઍડ્્્વોકેટ આનંદ યાજ્ઞિકે પત્રકારોને કહ્યું હતું.

આનંદ યાજ્ઞિકે કહ્યું હતું કે ન્યાયમૂર્તિ અકિલ કુરેશીએ તેમનો ચુકાદો લખાવતાં ઓપન ર્કોટમાં કહ્યું કે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની વરણી કાયદેસર અને બંધારણીય છે. જોકે ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં અસહમતી પ્રગટ કરીને તેમનું જજમેન્ટ લખાવી રહ્યાં છે.