હવે લોકાયુક્ત કેસનો આધાર ત્રીજા જજ પર

12 October, 2011 08:20 PM IST  | 

હવે લોકાયુક્ત કેસનો આધાર ત્રીજા જજ પર

 

હાઇ ર્કોટનાં ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ ગુજરાતનાં રાજ્યપાલનો લોકાયુક્તની નિમણૂકનો હુકમ રદ કરવાનો ચુકાદો આપતાં ટાઇ થઈ

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની નિમણૂક કરવાના ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલાજી બેનીવાલના હુકમને ગુજરાત હાઈ ર્કોટનાં  ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ રદબાતલ ઠરાવ્યો હતો અને સાથોસાથ લોકાયુક્તની નિમણૂક અગત્યની હોવાથી ચાર મહિનામાં લોકાયુક્તની નિમણૂકની કાર્યવાહી પૂરી  કરવાનો આદેશ આપી ગુજરાત સરકારની રિટ અરજી મંજૂર રાખી હતી.

ગુજરાતના લોકાયુક્ત તરીકે નિવૃત્ત ન્યાયમૂર્તિ આર. એ. મહેતાની નિમણૂક કરવાના ગુજરાતનાં રાજ્યપાલ ડૉ. કમલાજી બેનીવાલના હુકમને પડકારતી ગુજરાત  સરકારે ગુજરાત હાઇર્કોટમાં રિટ અરજી કરી હતી, જેની સુનવણી ન્યાયમૂર્તિ અકીલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીની ખંડપીઠ સમક્ષ  હાથ ધરાઈ હતી.  પક્ષકારોની રજૂઆતો પૂરી થઈ ગયા પછી સોમવારે ન્યાયમૂર્તિ અકીલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવવાનું શરૂ કર્યું હતું, જેમાં  ન્યાયમૂર્તિ અકીલ કુરેશીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં એમ ટાંક્યું હતું કે લાંબા સમયથી ગુજરાતમાં લોકાયુક્તની જગ્યા ખાલી છે ત્યારે ગુજરાતનાં રાજ્યપાલે  લોકાયુક્ત નીમ્યાં એમાં ખોટું નથી. બીજી તરફ ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ ઓપન ર્કોટમાં ચુકાદો લખાવતાં એમ ટાંક્યું હતું કે મારા સાથી ન્યાયમૂર્તિના મહત્વના  મુદ્દા સાથે હું સહમત નથી. જોકે આ દરમ્યાન ર્કોટ કાર્યવાહીનો સમય પૂરો થયો હતો.

ગઈ કાલે ન્યાયમૂર્તિ સોનિયા ગોકાણીએ ઓપન ર્કોટમાં તેમનો ચુકાદો લખાવવાનું શરૂ કર્યું હતું, જેમાં ગુજરાતનાં રાજ્યપાલે ૨૫ ઑગસ્ટ ૨૦૧૧ના લોકાયુક્તની  નિમણૂક કરી છે એને રદ જાહેર કરી હતી અને આ હુકમ જાહેર કરતાં એવું અવલોકન કર્યું હતું કે બંધારણની જોગવાઈમાં અને લોકાયુક્તની જોગવાઈ જોતાં  રાજ્યપાલને આ પ્રકારના સ્વતંત્ર અધિકાર નથી. નિમણૂકની પ્રક્રિયામાં રાજ્યપાલને કોઈ અધિકાર નથી. ગુજરાતના મુખ્ય પ્રધાનનો ચીફ જસ્ટિસ સાથે પરામર્શ  ચાલુ હતો, જેથી એવું ન કહેવાય કે રાજ્યપાલે આ હુકમ કર્યો એ વાજબી છે. રાજ્યપાલે લોકાયુક્તની નિમણૂક માટે જે ડીલેનું કારણ આપ્યું એ કારણ ર્કોટના  અવલોકન પ્રમાણે સાચું નથી.