ગુજરાતમાં મેંદીથી મતદાન માટે જાગૃતિ ફેલાવી મહિલાઓએ

02 May, 2024 08:14 AM IST  |  Ahmedabad | Gujarati Mid-day Correspondent

અમદાવાદ શહેર અને જિલ્લામાં ૫૭૧ જેટલી સ્કૂલો અને આંગણવાડીઓમાં ૩૪,૦૦૦ મહિલાઓએ મેંદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો

પ્રતીકાત્મક તસવીર

ગુજરાતમાં ગઈ કાલે હજારો મહિલાઓએ તેમના હાથમાં મતદાનનાં સૂત્રો સાથે ચૂંટણીના મહાપર્વમાં અવશ્ય મતદાનના મેસેજ સાથે મેંદી મૂકીને મતદાન જાગૃતિ ફેલાવી હતી. અમદાવાદ, વડોદરા, અમરેલી, તાપી, નર્મદા, કચ્છ, જૂનાગઢ, મોરબી જિલ્લાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારમાં આંગણવાડીની બહેનો સહિતની મહિલાઓ, યુવતીઓ, કિશોરીઓએ મતદાનનાં સૂત્રો લખેલી મેંદી મૂકી હતી. વડોદરા શહેર અને જિલ્લામાં, આંગણવાડી કેન્દ્રોમાં મેંદી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ૫૦૦થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા વિકાસ અધિકારી મમતા હીરપરાએ પણ તેમના હાથમાં મેંદી મૂકીને ઉપસ્થિત મહિલાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

અમદાવાદ શહેર અને જિલ્લામાં ૫૭૧ જેટલી સ્કૂલો અને આંગણવાડીઓમાં ૩૪,૦૦૦ મહિલાઓએ મેંદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ‘વોટ ફૉર બેટર ઇન્ડિયા’, ‘મતદાન મારો અધિકાર છે’, ‘મતદાન એ સર્વશ્રેષ્ઠ દાન છે’, ‘વોટ ફૉર બેટર ફ્યુચર’, ‘વોટ અવશ્ય આપવો’, ‘ચાલો સંકલ્પ લઈએ’, ‘મતદાન કરીએ’, ‘સાતમીએ મતદાન કરીએ’ જેવાં સૂત્રો સાથે મેંદી મૂકીને ગુજરાતમાં વધુ ને વધુ મતદાન થાય એ માટે મહિલાઓએ પ્રયાસ કર્યા હતા. મહિલાઓ અને યુવતીઓએ મૂકેલી મતદાનની મેંદી આકર્ષણનું કેન્દ્ર બની હતી. 

 

gujarat news Lok Sabha Election 2024 ahmedabad election commission of india