30 August, 2025 06:51 AM IST | Bhuj | Gujarati Mid-day Online Correspondent
વિદ્યાર્થિની સાક્ષી ખાનિયા
ગુજરાતના અમદાવાદની એક શાળામાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની છરી વડે હત્યાનો મામલો તાજો જ છે, ત્યાં હવે કચ્છની કૉલેજમાં પણ એવી જ એક ઘટના બની છે, જેણે લોકોને હચમચાવી દીધા છે. ભુજની સંસ્કાર કૉલેજની નજીક એક યુવકે બીસીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર છરી વડે હુમલો કર્યો. ઘટનામાં વિદ્યાર્થિનીને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે યુવકે વિદ્યાર્થિની પર હુમલો કર્યો ત્યારે યુવતીના મિત્રોએ ઘટનાને રોકવાનો પ્રયત્ન કર્યો જોકે તેને બચાવવા માટે પ્રયત્ન કરનાર તેના મિત્રને પણ છરી વાગતા તે પણ જખમી થયો હતો. બન્ને ઘાયલ થયેલા વિદ્યાર્થીઓને તરત જ જી. કે. જનરલ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે. હુમલામાં યુવતીનું મૃત્યુ થયું છે.
મુળ ગુજરાતના ગાંધીધામની અને હૉસ્ટેલમાં રહી સંસ્કાર કૉલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને મળવા આવેલા એક યુવકે આ હુમલો કર્યા હોવાનું કહેવાય છે. દરમિયાન યુવકને ગુસ્સો આવતા તેણે યુવતીને ગળાના ભાગે છરીનો ઘા માર્યા હતા. ગાંધીધામના મોહીત સિધ્ધપુરા નામના યુવાને 19 વર્ષની સાક્ષી ખાનિયા પર હુમલો કર્યું અને તેને બચાવવા આવેલા સાક્ષીના મિત્ર જયેશ ઠાકોર (22) પર પણ હુમલો કર્યો હતો. યુવતી અને તેના મિત્રને ઘાયલ કરી આરોપી મોહીતે છરી ઘટનાસ્થળે જ ફેંકી અને પિતાની બાઇક મુકીને ત્યાંથી ભાગી ગયો. બન્ને ઘાયલોને ઘાયલ હાલતમાં સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જોકે ત્યાં સાક્ષીની મૃત્યુ થયું હતું.
પ્રાથમિક માહિતી મુજબ યુવતી એક તરફી પ્રેમ કરતો મોહીત ગાંધીધામમાં જ સાક્ષી ખાનિયાના પાડોશમાં રહેતો હતો. તેણે સાક્ષીના અન્ય સંબંધોની આશંકાના કારણે છરીથી હુમલો કર્યો હોવાની શંકા છે, તેમ જ પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપીનો નંબર અને સોશિયલ મીડિયા પર પીડિતાએ બ્લૉક કર્યો હતો. આ બધી બાબતોથી આરોપીએ યુવતીની હત્યા કરી હોવાના અહેવાલ છે. આરોપીને મોડી રાત્રે પકડી લેવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસની ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ તપાસમાં સામેલ થયા છે.
આ ઘટનાએ ફરી એકવાર શૈક્ષણિક વિસ્તારમાં વિદ્યાર્થીઓની સુરક્ષા પર પ્રશ્નો ઉભા કર્યા છે. સંસ્કાર કૉલેજના આચાર્યએ આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. આ પહેલા પણ ભુજ, ગાંધીધામ આદિપુર અને અમદાવાદ જેવી જગ્યાઓ પર પણ એક વિદ્યાર્થી દ્વારા બીજા વિદ્યાર્થીને મોતને ઘાટ ઉતારવાની ઘટનાઓ સામે આવી છે, જે દર્શાવે છે કે આવી ઘટનાઓ દરેક માટે કેટલો ચિંતાનો વિષય બની રહી છે.