કચ્છના બીજેપીના ઉમેદવારે મુંબઈ આવીને સમર્થન માગ્યું

04 December, 2012 06:00 AM IST  | 

કચ્છના બીજેપીના ઉમેદવારે મુંબઈ આવીને સમર્થન માગ્યું




ગુજરાતમાં ૧૩ અને ૧૭ ડિસેમ્બરે યોજાઈ રહેલી ચૂંટણી માટે મુંબઈમાં ગુજરાતીઓ ઉત્સાહિત છે, પણ ગુજરાતના ઉમેદવારો પણ અહીંના મતદારોને અને લોકોને મળવા એટલા જ ઉત્સાહિત છે. ગઈ કાલે કચ્છની માંડવી-મુંદ્રા બેઠકના બીજેપીના ઉમેદવાર તારાચંદ છેડાએ એક જ દિવસમાં દાદર, મુલુંડ અને ચેમ્બુરમાં સભાઓ સંબોધી હતી અને લોકોનો સર્પોટ માગ્યો હતો. કચ્છમાં ૧૭ ડિસેમ્બરે મતદાન થવાનું છે. કચ્છ યુવક સંઘના ઉપક્રમે દાદરના કરસન લધુ નિસર હૉલમાં કચ્છી આગેવાન દામજીભાઈ ઍન્કરવાલાના અધ્યક્ષસ્થાને યોજાયેલી સભામાં ૭૦૦ જેટલા લોકોએ હાજરી આપી હતી જેમાં જૈન, ક્ષત્રિય, પાટીદાર, લોહાણા વગેરે સમાજના અગ્રણીઓનો સમાવેશ થતો હતો.

આ સભાને સંબોધતાં તારાચંદ છેડાએ કહ્યું હતું કે ‘ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ ૨૦ ડિસેમ્બરે ફરી દિવાળી ઊજવવાનો અવસર આવવાનો છે. આ ચૂંટણી ટાણે તમે હમણાં તમારા ૧૫ દિવસ મને આપજો, પછી હું તમને મારાં પાંચ વર્ષ આપવા વચનબદ્ધ છું. બીજેપીની સરકાર આવ્યા પછી કચ્છનો ઝડપભેર વિકાસ થયો છે. નરેન્દ્ર મોદીએ ગુજરાતનું સુકાન સંભાળ્યા પછી સાવ સૂના પડેલા મુંદ્રા બંદરનો વિકાસ થયો છે. મુંબઈના કચ્છીઓ આપત્તિ વખતે હંમેશાં વતનને સહાયરૂપ થયા છે, હવે સારા દિવસોમાં પણ ભાગીદાર બનવાનું છે.’

આ સભામાં કચ્છી જૈન સમાજના અગ્રણી શામજી વોરા, રાજગોર સમાજના રામજી રાજગોર, વાગડ પટેલ સમાજના કાનજી પટ્ટણી, આહિર સમાજના બાબુભાઈ આહિર, કચ્છ યુવક સંઘના કોમલ છેડા સહિત અનેક કચ્છી અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અનેક લોકોએ કચ્છમાં ચૂંટણી વખતે જઈને કામ કરવા માટે તૈયારી બતાવી હતી અને ૧૦૦ ટકા મતદાન થાય એવા પ્રયાસ કરવાના કાર્યમાં સર્પોટ કરવાની ખાતરી આપી હતી.

બીજેપી = ભારતીય જનતા પાર્ટી