કચ્છ રણ મહોત્સવ : ટેન્ટ-સિટી સામે ભૂંગા-સિટી

07 December, 2011 09:49 AM IST  | 

કચ્છ રણ મહોત્સવ : ટેન્ટ-સિટી સામે ભૂંગા-સિટી

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૭

છેલ્લાં બે વર્ષથી જે રીતે કચ્છ રણ મહોત્સવના ટેન્ટ-સિટીને રિસ્પૉન્સ મળી રહ્યો છે એ જોઈને આ વર્ષે ધોરડો ગ્રામપંચાયતે પંચાયતની હદમાં ભૂંગા બનાવ્યા છે અને એ પ્રવાસીઓને ભાડે આપવામાં આવશે. ટેન્ટ-સિટી હંગામી છે અને કચ્છ રણ મહોત્સવ સુધી જ રહેવાનું હોય છે, પણ ધોરડોમાં બનાવવામાં આવેલા ભૂંગા કાયમી છે અને કાયમ માટે રહેશે. ટેન્ટ-સિટીથી અંદાજે અડધો કિલોમીટર દૂર આવેલા આ ભૂંગા સામે ગુજરાત સરકાર કે ગુજરાત સરકારના ટૂરિઝમ ડિપાર્ટમેન્ટે કોઈ વિરોધ નથી કર્યો. ગુજરાત ટૂરિઝમ કૉર્પોરેશન લિમિટેડના ચૅરમૅન કમલેશ પટેલે કહ્યું હતું કે ‘અલ્ટિમેટલી કચ્છના ટૂરિઝમના ડેવલપમેન્ટ માટે જ રણ મહોત્સવ કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની કોઈ ઍક્ટિવિટીનો વિરોધ કરવો યોગ્ય નથી. ધોરડોમાં જે ભૂંગા બનાવવામાં આવ્યા છે એ પર્મનન્ટ છે એટલે રણ મહોત્સવ પછી પણ ધોરડોનું સફેદ રણ જોવા આવનારાઓને એ કામ લાગશે.’

ધોરડો ગ્રામપંચાયત દ્વારા કુલ ૧૫ ભૂંગા બનાવવામાં આવ્યા છે, જેમાંથી ૭ એસી અને ૮ નૉન-એસી છે. એસી ભૂંગા માટે ૩૮૦૦ રૂપિયા અને નૉન-એસી ભૂંગા માટે ૩૨૦૦ રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. આ ભાડું નક્કી કરવાનું કામ ધોરડો ગ્રામપંચાયત કરે છે. આ ભૂંગામાં રહેવા આવનારા ટૂરિસ્ટોને સવારના નાસ્તાથી માંડીને રાતના જમણ સુધીની સુવિધા ફ્રી આપવામાં આવશે. મજાની વાત એ છે કે પચ્છમ ગ્રામીણ સંસ્કૃતિના આધારે બનાવવામાં આવેલા આ ભૂંગામાં રહેનારાઓને ફૂડ પણ ટિપિકલ કચ્છ સ્ટાઇલનું આપવામાં આવશે. આ ઉપરાંત ધોરડોના સફેદ રણ સુધીની કૅમલ-સફારી પણ ગ્રામપંચાયત દ્વારા પૂરી પાડવામાં આવશે. કાયમી ભૂંગા બનાવવાનો આ વિચાર ધોરડો ગ્રામપંચાયતના સરપંચ મિયાં હુસેન ગુલબગનો હતો.