જમીનમાંથી પાણી ફૂટવાનું શરૂ થતાં રણ ઉત્સવમાં પ્રવાસીઓને હાડમારી

14 December, 2011 09:38 AM IST  | 

જમીનમાંથી પાણી ફૂટવાનું શરૂ થતાં રણ ઉત્સવમાં પ્રવાસીઓને હાડમારી

 

દિવાળી પહેલાંથી શરૂ થયેલા આ પ્રૉબ્લેમને ધ્યાનમાં રાખીને એક તબક્કે કચ્છના કલેક્ટર એમ. થેન્નારસને ગુજરાત ટૂરિઝમ કૉર્પોરેશનને આ જ સફેદ રણમાં અન્ય જગ્યાએ ટેન્ટ-સિટી બનાવવાનું સજેશન કર્યું હતું, પણ એ જ જગ્યાએ ટેન્ટ-સિટી બનાવવાના દુરાગ્રહને કારણે અત્યારે આ હાલાકી ઊભી થઈ છે. એવું નથી કે માત્ર સફેદ રણમાં જ પાણી ફૂટી રહ્યું છે, ધોરડોથી ટેન્ટ-સિટી તરફ આવતા કાચા રસ્તા પર પણ ઠેર-ઠેર આવા પ્રૉબ્લેમ શરૂ થતાં વાહનોને પણ ટેન્ટ-સિટી સુધી પહોંચવામાં તકલીફ પડી રહી છે. ગઈ કાલે મોડી સાંજે તો આ રસ્તા પર અલગ-અલગ ચાર વાહનો ફસાઈ ગયાં હતાં, જેને કાઢવા માટે ટેન્ટ-સિટીના ટૂરિસ્ટ-ગાઇડ અને બીજા પ્રવાસીઓએ જવું પડ્યું હતું. ગઈ કાલે સવારે ટેન્ટ-સિટીના ઑબ્ઝર્વેશન માટે ગયેલા એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘વાત સાચી છે. રણની જમીનમાંથી ફરીથી પાણી ફૂટતું હોવાની કેટલીક ફરિયાદ આવી છે, પણ અમે તાત્કાલિક અસરથી એ જગ્યા પર રેતી નખાવી દીધી છે અને જ્યાં વધુ પાણી છે ત્યાં લાકડાનાં પાટિયાં મુકાવી દીધાં છે.’ એવું નથી કે માત્ર બહારના એરિયામાં જ પાણી ફૂટી રહ્યું છે. ટેન્ટ-સિટીના બાવીસ જેટલા ટેન્ટ પણ એવા છે જેમાં પાણી ફૂટ્યું છે. આ બાવીસ ટેન્ટને હાલ પૂરતા ખાલી કરાવીને એમાંના પ્રવાસીઓને બીજા ટેન્ટમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે.