આજે પહેલાં કાર્નિવલ અને રણ ઉત્સવનો શુભારંભ

09 December, 2011 06:27 AM IST  | 

આજે પહેલાં કાર્નિવલ અને રણ ઉત્સવનો શુભારંભ

 

 

(રશ્મિન શાહ)

રાજકોટ, તા. ૯

કચ્છના કલેક્ટર એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘કાર્નિવલ એ રણ મહોત્સવનો જ એક ભાગ છે. કાર્નિવલ શરૂ થયા પછી ચાર કલાક સુધી શહેરમાં અલગ-અલગ ૪૦ ફ્લોટ્સની એક શોભાયાત્રા નીકળશે, જેમાં શહેરના લોકો સામેલ થશે.’

રણ મહોત્સવના ઉદ્ઘાટન માટે કચ્છ આવી રહેલા નરેન્દ્ર મોદી બે દિવસ સુધી કચ્છમાં રોકાશે. તેમનું આજનું રાત્રિરોકાણ કચ્છમાં થવાનું છે, જ્યારે આવતી કાલે સવારે તેઓ ધોરડો જશે અને ત્યાં રાત રોકાશે. મુખ્ય પ્રધાન સાથે ગુજરાતના પ્રધાનમંડળના ૧૨ પ્રધાનો પણ ધોરડોમાં રાત્રિરોકાણ કરશે.

આજના કાર્નિવલમાં કુલ ૧૨,૦૦૦ લોકો ભાગ લેશે અને આ કાર્નિવલને અંદાજે ૫૦,૦૦૦થી વધુ લોકો નિહાળશે.

શહેરને થયો શણગાર

કાર્નિવલથી શરૂ થનારા રણ મહોત્સવના સ્વાગત માટે ભુજ શહેરને લાઇટથી શણગારવામાં આવ્યું છે. ભુજનાં ૩૨ સરકારી બિલ્ડિંગ ઉપરાંત અન્ય અર્ધસરકારી અને પ્રાઇવેટ બિલ્ડિંગ પણ શણગારવામાં આવ્યાં છે. કચ્છના સરકારી બિલ્ડિંગમાં રંગોળી પણ કરવામાં આવી છે. કાર્નિવલને ધ્યાનમાં રાખીને આવતી કાલે સ્કૂલ અને કૉલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. જોકે મોટા ભાગની સ્કૂલ-કૉલેજોએ કાર્નિવલમાં ભાગ લીધો હોવાથી એના તમામ વિદ્યાર્થીઓ કાર્નિવલમાં જોડાશે. આ ઉપરાંત આ કાર્નિવલને ધ્યાનમાં રાખીને કચ્છની ૧૦૦થી વધુ રેસ્ટોરાં અને હોટેલોમાં આજે એક દિવસ પૂરતું સાંજના ડિનરમાં કચ્છી ફૂડ રાખવામાં આવ્યું છે. એમ. થેન્નારસને કહ્યું હતું કે ‘અત્યારે કચ્છમાં અંદાજે દોઢથી બે હજાર ફૉરેન ટૂરિસ્ટો ફરી રહ્યા છે. આ ટૂરિસ્ટોને સમજાવીને કચ્છી ફૂડનો ટેસ્ટ કરાવવાની જવાબદારી હોટેલ અસોસિએશને લીધી છે. એનો હેતુ એટલો છે હશે કે કચ્છ જેટલું બને એટલું વધુ ફેમસ થાય.’

ગાઇડનું આઇ-કાર્ડ જુઓ

રણ ઉત્સવમાં પરમિશન વિના ગાઇડ પહોંચી જતા હોવાની ફરિયાદને આધારે ગુજરાત ટૂરિઝમ કૉર્પોરેશને આ વષ્ોર્ રણ ઉત્સવમાં ગાઇડનું સિલેક્શન કરીને તેમને આઇડેન્ટિટી કાર્ડ આપી દીધાં છે. આઇ-કાર્ડ વિનાના કોઈ ગાઇડનો ઉપયોગ ન કરવાની સૂચના આપી દેવાની સાથોસાથ કચ્છના કલેક્ટરે એવું પણ કહ્યું હતું કે ‘જે ગાઇડને આઇ-કાર્ડ આપવામાં આવ્યાં છે તેમને ટ્રેઇનિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત તેમનું ફૅમિલી બૅકગ્રાઉન્ડ પણ ચેક કરવામાં આવ્યું છે.’