24 December, 2023 11:05 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણ માટે સુખપર ગામે અક્ષતની પોટલીઓ બનાવી રહેલી બહેનો
અયોધ્યામાં પ્રભુશ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઇ રહી છે ત્યારે તેના આમંત્રણ ગામે ગામ પહોંચી રહ્યાં છે. અયોધ્યાથી ગુજરાતમાં કચ્છના સુખપર ગામે આમંત્રણ માટેના અક્ષત આવી પહોંચતા આશરે ત્રણ હજાર જેટલી બહેનોએ માત્ર દોઢ કલાકના સમયમાં અક્ષતની પચાસ હજાર પોટલીઓ બનાવી હતી અને આ તમામ અક્ષત પોટલીઓ કચ્છના ગામે ગામ આમંત્રણના રૂપમાં જશે અને રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ અપાશે.
કચ્છના સુખપર ગામે અયોધ્યાથી આવેલા પવિત્ર અક્ષતની પોટલીઓ બનાવવાનું કામ હાથ ધરાયું હતું.નરનારાયણનગર, જુનોવાસ અને નવાવાસની બહેનો, સાંખ્યયોગી બહેનો, નરનારાયણદેવ યુવતી મંડળની યુવતીઓ, શિવ સત્સંગ મંડળના બહેનો સહીત આશરે ત્રણ હજાર જેટલી બહેનોએ અયોધ્યાથી આવેલા અક્ષતમાંથી દોઢ કલાક જેટલા ટૂંકા સમયમાં પચાસ હજાર જેટલી પોટલીઓ બનાવી હતી.તા.૧થી ૧૫ જાન્યુઆરી દરમ્યાન સમગ્ર કચ્છમાં દરેક ગામ અને ઘર ઘર સુધી નિમંત્રણ સ્વરૂપે રામ મંદિરના ચિત્ર સાથે આ પવિત્ર અક્ષત પહોંચાડવામાં આવશે.આ કાર્યવાહીનું સંકલન વિશ્વ હીન્દુ પરીષદ અને દુર્ગાવાહીની માનકુવા પ્રખંડના કાર્યકર્તાઓ તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ કરી રહ્યાં છે.
આમંત્રણ માટેના અક્ષતની પોટલીઓ બનાવવાની કામગીરી દરમ્યાન મંદિરમાં અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની, ધનુષ્ય, બાણ, ગદા તેમજ સુત્રોની આકૃતિ બનાવી હતી. રામ મંદિરની આકૃતિમાં પ્રભુ શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ મુકાઇ હતી. આ આકૃતિઓ ભક્તજનોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભનો ઉલ્લાસ માત્ર અયોધ્યા જ નહીં આખા દેશમાં છે.