બહુ ગાજેલા કચ્છ રણ ઉત્સવનો રવિવારે અંત

13 January, 2012 07:15 AM IST  | 

બહુ ગાજેલા કચ્છ રણ ઉત્સવનો રવિવારે અંત

 

કચ્છ જિલ્લાના કલેક્ટર એમ. થેન્નારસને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કચ્છ અને રાજસ્થાનની સંસ્કૃતિમાં સામ્ય હોવાથી ઇલા અરુણની કૉન્સર્ટ સાથે રણ ઉત્સવની પૂર્ણાહુતિ કરવામાં આવશે. ઇલા અરુણ આ કૉન્સર્ટમાં કચ્છી ગીતો પણ ગાશે.’

આ વર્ષે કચ્છ રણ ઉત્સવમાં ૬૦,૦૦૦થી વધુ લોકો સામેલ થયા હતા, જેને કારણે ગુજરાત ટૂરિઝમને અંદાજે ત્રણ કરોડ રૂપિયાથી વધુની આવક થઈ છે. રણ ઉત્સવને મળી રહેલા પૉઝિટિવ પ્રતિસાદને જોઈને ગુજરાત ટૂરિઝમ આવતા વર્ષે ૬૨ દિવસના રણ ઉત્સવનું આયોજન કરવાનું વિચારી રહ્યું છે. ગુજરાતના પ્રવાસ મંત્રાલયના પ્રધાન જયનારાયણ વ્યાસે કહ્યું હતું કે ‘મેથી ઑક્ટોબર સુધી ધોરડોમાં વરસાદનાં પાણી ભરેલાં રહેતાં હોય છે એટલે બાકીના સમયમાં રણ ઉત્સવ કરી શકાય છે. જો શક્ય બનશે તો આવતા વર્ષે અમે પહેલી ડિસેમ્બરથી ૩૧ જાન્યુઆરી સુધીનો એટલે કે ૬૨ દિવસનો રણ ઉત્સવ ઊજવીશું.’

જેઠાલાલ પહોંચ્યા ટેન્ટ સિટી

રણ ઉત્સવની પૉપ્યુલરિટી જોઈને સબ ટીવીની પૉપ્યુલર સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’નું શૂટિંગ ધોરડોના સફેદ રણમાં બનાવવામાં આવેલા ટેન્ટ સિટીમાં ગઈ કાલથી કરવામાં આવી રહ્યું છે. ગઈ કાલે કરવામાં આવેલા શૂટિંગમાં દયા અને જેઠાલાલના ટિપિકલ રાસ-ગરબાનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જે જોવા ફૉરેનર્સથી માંડીને સ્થાનિક લોકો ભેગા થયા હતા. ત્રણ દિવસના આ શૂટિંગ-શેડ્યુલમાં ધોરડો ગામ, ટેન્ટ સિટી અને સફેદ રણમાં શૂટિંગ કરવામાં આવશે; જ્યારે એક દિવસ કચ્છની બૉર્ડરના જવાનો સાથે શૂટિંગ કરવામાં આવશે.

આજે પતંગોત્સવ

આજે કચ્છના માંડવી અને ધોરડોના સફેદ રણમાં એકદિવસના પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ૪૦ વિદેશી પતંગબાજ ધોરડોમાં રહેશે અને ૩૦ પતંગબાજ માંડવીમાં પતંગ ઉડાડશે. ગયા વર્ષે પણ આ બન્ને સ્થળે ગુજરાત સરકાર દ્વારા પતંગોત્સવ ઊજવવામાં આવ્યો હતો.