કચ્છ પહોંચતાં પહેલાં જ વેપારીનો જીવ ગયો

12 May, 2020 08:13 AM IST  |  Gujarat | Mumbai Correspondent

કચ્છ પહોંચતાં પહેલાં જ વેપારીનો જીવ ગયો

કાર અકસ્માત

રોનાને લીધે કરાયેલા લૉકડાઉનથી કામધંધા બંધ હોવાથી મોટી સંખ્યામાં લોકો મુંબઈ છોડીને પોતાના વતન જઈ રહ્યા છે. મુંબઈમાં વસતા કચ્છી પરિવારો પણ પ્રાઇવેટ વાહનમાં બેસીને મોટી સંખ્યામાં નીકળી રહ્યા છે ત્યારે નવી મુંબઈના ખારઘરમાં રહેતા કચ્છી પટેલ વેપારીની કારનો રવિવારે સવારે નડિયાદમાં ઍક્સિડન્ટ થતાં તેમનું મૃત્યુ થયું હતું. સૌરાષ્ટ્રના એ કાર-ડ્રાઇવરે પણ જીવ ગુમાવ્યો હતો. જોકે પાછળની સીટ પર બેઠેલાં વેપારીનાં પત્ની અને પુત્રનો સાળો બાલબાલ બચી ગયાં હતાં. મેઘજીભાઈ કોરોના વાઇરસથી તો બચી ગયા, પણ વતન પહોંચતાં પહેલાં તેમને રસ્તામાં કાળ ભરખી ગયો.

નવી મુંબઈના ખારઘરમાં રહીને ખારઘર સુપર માર્કેટનો બિઝનેસ કરતા ૫૦ વર્ષના મેઘજીભાઈ ગેલાભાઈ ગોઠી (પટેલ) તેમનાં પત્ની જશોદાબહેન અને દીકરાના સાળા સાથે રવિવારે વહેલી સવારે તેમના ઘરેથી કચ્છના ભચાઉ તાલુકામાં આવેલા રામપુર ગામે જવા કારમાં ડ્રાઇવર ધર્મેશ ખંડેલાને લઈને નીકળ્યા હતા.

૧૧ વાગ્યે નડિયાદમાં મુંબઈ-અમદાવાદ હાઇવે પર આગળ જઈ રહેલી લોખંડનો સામાન ભરેલી ટ્રકની પાછળ કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ઍક્સિડન્ટમાં મેઘજીભાઈ અને ડ્રાઇવર ધર્મેશને ગંભીર ઈજા પહોંચતાં તેમનાં ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યાં હતાં, જ્યારે પાછળની સીટ પર બેઠેલાં વેપારીનાં પત્ની જશોદાબહેન અને પુત્રના સાળાને પણ ઈજા થતાં તેમને નડિયાદ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ વિશે ફોર્ટ મર્ચન્ટ્સ વેલ્ફેર અસોસિએશનના પ્રમુખ અશોક પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મેઘજીભાઈ મારા સાઢુભાઈના ભાઈ થાય. કોરોનાને લીધે અહીં કામકાજ બંધ હોવાથી તેઓ પત્ની સાથે બે મહિના તેમના ગામ રામપુરા રહેવાના ઇરાદાથી રવિવારે સવારે નીકળ્યા હતા. તેમના ભાઈઓ મલાડ રહે છે. અકસ્માત બાદ સોમવારે સવારે મેઘજીભાઈનો મૃતદેહ મલાડ લવાયો હતો અને સવારે ૭.૩૦ વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરાયા હતા. ૩૦ વર્ષના ડ્રાઇવર ધર્મેશ ખંડેલા સૌરાષ્ટ્રનો રહેવાસી હોવાથી તેના મૃતદેહને તેના ગામ મોકલી દેવામાં આવ્યો હતો. મેઘજીભાઈએ જ ધર્મેશને ધંધો કરવા માટે કાર લઈ આપી હતી અને એ કારમાં જ બન્નેના જીવ ગયા હતા. મેઘજીભાઈના ત્રણ પુત્ર છે. તેમના મલાડમાં રહેતા ભાઈઓનો પણ સુપર માર્કેટનો ધંધો છે.’

નડિયાદ સિટી પોલીસે આ અકસ્માતની નોંધ કરીને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું. જશોદાબહેનની સારવાર નડિયાદ હૉસ્પિટલમાં ચાલી રહી છે અને તેમની તબિયત સુધારા પર હોવાનું પોલીસે જણાવ્યું હતું.

nadiad kutch gujarat