કચ્છમાં વારસામાં HIV વાઇરસ મેળવનાર યુવક-યુવતીએ કર્યા લગ્ન

27 November, 2012 03:22 AM IST  | 

કચ્છમાં વારસામાં HIV વાઇરસ મેળવનાર યુવક-યુવતીએ કર્યા લગ્ન




જીવનભર સાથ આપવા માટે એકમેક સાથે લગ્ન કરવામાં આવે એ તો સંસારનો નિયમ છે, પણ મૃત્યુ સમયે એકમેકને સાથ આપવા અને એકબીજાનું મૃત્યુ ઊજવવા માટે લગ્ન કરવામાં આવ્યું હોય એવું કદાચ આ અગાઉ ક્યારેય બન્યું નહીં હોય, પણ હવે કચ્છના આદિપુરમાં આ દાખલો બેસાડ્યો છે સ્મિતા અને પરેશે (નામ બદલાવ્યાં છે). એચઆઇવી પૉઝિટિવ એવાં આ બન્ને યુવક-યુવતીએ શનિવારે મોડી રાત્રે આદિપુરમાં હિન્દુ સંસ્કૃતિ મુજબ લગ્ન કર્યા. સ્મિતા અને પરેશ બન્નેને પેરન્ટ્સનું મૃત્યુ એઇડ્ઝને કારણે થયું હતું. બન્નેને પોતાના પેરન્ટ્સના વારસામાં જ આ જીવાણુ મળ્યાં છે. સ્મિતા બાર વર્ષની અને પરેશ ચૌદ વર્ષનો હતો ત્યારે જ તે બન્નેને ખબર પડી ગઈ હતી કે તે એચઆઇવી પૉઝિટિવ છે. અનેક સામાજિક તકલીફો સહજ કરનારાં આ નવદંપતી બે વર્ષ પહેલાં એચઆઇવી પૉઝિટિવ પેશન્ટ્સ માટે કામ કરતી એક સંસ્થાના કાર્યક્રમમાં મળ્યાં અને બન્ને વચ્ચે પ્રેમ થયો હતો. ચાર મહિના પહેલાં બન્નેએ મૅરેજની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે બન્નેના અનેક સગાંસંબંધીઓએ તેમને રોક્યાં હતાં, પણ છેવટે તે બધાંને સમજાવવામાં સ્મિતા અને પરેશ સફળ રહ્યાં. પરેશે કહ્યું હતું કે ‘અમે બન્નેએ સગાંવહાલાંઓને એ જ કહ્યું કે જ્યાં સુધી જીવતર છે ત્યાં સુધી સાથે જીવવાનો આનંદ લઈશું અને પછી અંતિમ સમયે એકમેકની વેદનામાં સાંત્વના આપીશું.’

પરેશ અને સ્મિતા મૅરેજ પછી અત્યારે હનીમૂન પર ગયાં છે.

એચઆઇવી = હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ