કુબેર બોટના માલિકે મીઠાઈની બાધા તોડી

22 November, 2012 05:51 AM IST  | 

કુબેર બોટના માલિકે મીઠાઈની બાધા તોડી



રશ્મિન શાહ

રાજકોટ, તા. ૨૨

૨૬/૧૧ના હુમલાખોર અજમલ કસબને ગઈ કાલે ફાંસી આપી હોવાના સમાચારો જેવા ટીવીની ન્યુઝચૅનલ પર બ્રેક થયા કે તરત જ દેશભરમાં આનંદની લહેર પ્રસરી ગઈ હતી. આ આનંદની લહેર વચ્ચે સૌથી વધુ ખુશ જો કોઈ થયું હોયું તો તે પોરબંદર બોટ અસોસિએશનના મેમ્બર અને કુબેર બોટના માલિક વિનોદ મસાણી હતા. અજમલ કસબ અને તેના સાથીઓએ અરબી સમુદ્રમાંથી વિનોદ મસાણીની કુબેર બોટ હાઇજૅક કરી હતી અને એ બોટમાં રહેલા પાંચ ખલાસીઓને તરત જ મારી આ બોટમાં મુંબઈ આવ્યા

હતા. મુંબઈ આવ્યા પછી તેમણે બોટના ટંડેલની પણ હત્યા કરી નાખી હતી. વિનોદ મસાણીએ કહ્યું હતું કે આ સમાચાર મળ્યાં પછી મારી બોટના છ સભ્યોનું શ્રાદ્ધ થયું હોય એવું લાગે છે.

કુબેર બોટ હાઇજૅક કરીને કસબ આણિ મંડળી મુંબઈમાં ઘૂસી હોવાથી બોટના માલિક વિનોદભાઈ અને તેમના ભાઈઓની મુંબઈપોલીસની બસોથી પણ વધુ વાર ઇન્ક્વાયરી કરી હતી, જે ઇન્ક્વાયરીમાંથી શરૂઆતની ઇન્ક્વાયરી પોલીસ સ્ટાઇલની અને આકરી કહેવાય એવી હતી. એ બધામાંથી બહાર આવવા અને પોતાના છ સાથીદારોનાં મોતનું તર્પણ થાય એ માટે વિનોદભાઈએ ૨૬/૧૧ની ઘટના પછી ૧૫ ડિસેમ્બરના દિવસે માનતા રાખી હતી કે જ્યાં સુધી અજમલ કસબને ફાંસી નહીં મળે ત્યાં સુધી તે મીઠાઈ નહીં ખાય કે દિવાળી-ધુળેટી નહીં ઊજવે. ગઈ કાલે ફાંસીના સમાચાર આવ્યા પછી વિનોદભાઈ અને તેમની ફૅમિલીએ મીઠાઈ ખાવા ઉપરાંત દસ કિલો મીઠાઈ માછીમારોમાં વહેંચી હતી અને ફટાકડા ફોડીને દિવાળી પણ ઊજવી હતી.

વિનોદ મસાણીના આ સેલિબ્રેશનમાં પોરબંદર બોટ અસોસિએશન અને ગુજરાત માછીમાર સમાજ પણ જોડાતાં ગઈ કાલે સવારે નવ વાગ્યાથી અગિયાર વાગ્યા સુધી આખા શહેરનો માહોલ એકદમ ઉત્સાહમય બની ગયો હતો. ઠેર-ઠેર મીઠાઈ વહેંચાવા લાગી હતી અને ફટાકડા ફૂટવા લાગ્યા હતા.