જે લૅન્ડ-માફિયાઓને કારણે ઠાકોરજીએ હવેલી છોડવી પડી હતી તેમની ધરપકડ

30 August, 2012 05:39 AM IST  | 

જે લૅન્ડ-માફિયાઓને કારણે ઠાકોરજીએ હવેલી છોડવી પડી હતી તેમની ધરપકડ

રાજકોટના રૉયલ પાર્કમાં આવેલી અને સૌરાષ્ટ્રભરના વૈષ્ણવોમાં અત્યંત આસ્થાપૂર્વક પૂજાતી કૃષ્ણાશ્રય હવેલીના સ્ટાફ અને ભાવિકો સાથે મારામારી કરનારા રાજકોટના લૅન્ડ-માફિયા મહેન્દ્રસિંહ ઝાલા સહિત ત્રણની અરેસ્ટ થયા પછી રાજકોટના વૈષ્ણવો ગઈ કાલે શાંત પડ્યા હતા. રાજકોટના અગ્રણી વૈષ્ણવ હરકિશોર પટેલ સાથે અન્ય ૫૧ વૈષ્ણવો બાવાશ્રીને મનાવવા માટે પોરબંદર ગયા હતા. સમાજના અગ્રણીઓની સમજાવટ પછી વૈષ્ણવ બાવાશ્રી અભિષેકકુમારજીએ રાજકોટ પાછા આવવાની તૈયારી દેખાડી હતી, પણ જ્યાં સુધી હવેલી પવિત્ર ન થાય ત્યાં સુધી હવેલીમાં ઠાકોરજીની પધરામણી નહીં કરવામાં આવે એવી શરત રાખતાં ગઈ કાલે આખો દિવસ હવેલીને શાસ્ત્રોક્ત વિધિથી પવિત્ર કરવામાં આવી હતી. અભિષેકકુમારજીએ કહ્યું હતું કે ‘આ ઘટના શરમજનક છે. આ ઘટના બાદ અન્ય પવિત્ર ધામોમાં જેમ સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવે છે એવી વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવવી જોઈએ.’

આ ઘટનાના વિરોધમાં ગઈ કાલે રાજકોટમાં વૈષ્ણવોની મહાસભા રાખવામાં આવી હતી. આ મહાસભામાં વૈષ્ણવ અગ્રણીઓએ સ્વભાવિક રીતે લૅન્ડ-માફિયાઓની ઝાટકણી કાઢી હતી. જોકે સમસ્ત સમાજે આવી ઘટનાઓ સામે મન શાંત રાખવું અને ઉશ્કેરાટમાં આવી જઈ કોઈ હિંસક પગલું ન ભરવું એ માટે શપથ લીધા હતા. રાજકોટના ડેપ્યુટી પોલીસ-કમિશનર રમેશચંદ્ર પાંડેએ કહ્યું હતું કે ‘હવેલીમાં જે ઘટના બની છે એ નિંદનીય છે. રાજકોટની હવેલીને કાયમ માટે પોલીસ-પ્રોટેક્શન આપવામાં આવશે.’